ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનોઓએ સરકાર સમક્ષ દારૂ વેચવા લાયસન્સની માંગ કરી?

શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (15:40 IST)
એક તરફ, વાયબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગપતિઓ માટે લાલજાજમ બિછાવી રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે તેવી ડીંગો મારવામાં આવે છે.બીજી તરફ,બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાંફા મારી  રહ્યાં છે. હવે ગુજરાતના શિક્ષિત બેરોજગારો એટલી હદે કંટાળ્યાં છે કે, તેઓએ નોકરી ન મળતાં દારૂ વેચવા નક્કી કર્યુ છે. શિક્ષિત યુવાઓએ સરકાર સમક્ષ દારૂ વેચવા લાયસન્સની માંગ કરી છે. 
ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવા મોરચાના વડપણ હેઠળ આજે પંદરેક યુવાઓનુ એક પ્રતિનિધીમંડળ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળવા સચિવાલય પહોચ્યું હતું. આ યુવાઓની રજૂઆત હતીકે, આજે કોરમી મોંઘવારીમાં ભણીગણીને ડીગ્રી હાંસલ કર્યા બાદ પણ નોકરી ન મળે તો અર્થ શું. ગુજરાતની કોલેજોમાં અધ્યાપક,ગ્રંથપાલ અને પીટીઆઇની જગ્યાઓ ખાલી પડી છે તેમ છતાંય ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા કેટલાંય વખતથી નોકરી માટે ભરતી થશે તેવી વાટ યુવાઓ જોઇ રહ્યા છે. પણ કોઇ ઠેકાણાં નથી. 
આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતાં આ યુવાઓએ આવેદનપત્ર પાઠવીને એવી માંગ કરી કે, ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમારા કુંટુબને અમારી પાસે નોકરીની અપેક્ષા હતી તે અમે પૂર્ણ કરી શક્યા નથી. આ જોતાં હવે નોકરી ન મળે તો અમે નાછૂટકે દારૂનો ધંધો કરવા ઇચ્છુક છીએ. રાજ્ય સરકાર શિક્ષિત યુવાઓને દારૂનુ વેચાણ કરવા લાયસન્સ આપે.  શિક્ષિત યુવાઓની આવી માંગનેપગલે સચિવાલયમાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. શિક્ષિત યુવાઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપ્યુ હતું. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર