ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર

શનિવાર, 27 જુલાઈ 2024 (07:37 IST)
ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાણી ભરાયાં છે તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. એને લઇને રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે.
 
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં તાપી, નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અતિભારે વરસાદને પગલે વિસ્તારમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.
 
તાપી જિલ્લાના ડોલવાન તાલુકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીમાં છ ઇંચ અને સુરતના મહુવા તાલુકામાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
 
 સુરતમાં ખાડીપૂરને કારણે અનેક ઘરમાં પાણી ભરાઈ ગયા છે તથા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે.
 
સુરતના કાંઠાવિસ્તારોના ગામમાં ખાડીપૂરના પાણીને કારણે અનેક ઍપાર્ટમેન્ટ્સના પાર્કિંગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોને દવા, અનાજ જેવી જીવનજરૂરિયાતની ચીજો લેવા માટે પણ બોટનો સહારો લેવો પડે છે.
 
સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીના પાણીમાં ડૂબી જવાને કારણે એક બાળકનું મોત થયું છે.
 
માત્ર 23 મહિનાના બાળકનાં મૃત્યુથી પરિવાર આઘાતમાં છે.
 
બીબીસી સહયોગી શીતલ પટેલે આપેલી માહિતી અનુસાર નવસારીમાં પણ ભારે વરસાદને કારણે પૂર્ણા નદી તેની ભયજનક સપાટીએ વહી રહી છે.
 
નવસારી કલેક્ટરના જણાવ્યા અનુસાર તેમણે રાત્રે જ 110 લોકોને રૅસ્ક્યૂ કરીને શેલ્ટર હૉમમાં શિફ્ટ કરી દીધાં હતાં.
 
આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે?
ગુજરાતમાં હવે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે અને બીજી તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે.
 
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદની રાહ જોવાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઈ રહી છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તથા તેનાથી થોડો વધારે વરસાદ પડે તેવી સંભાવના છે.
 
વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે તો કોઈ સ્થળોએ અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
છોટાઉદેપુર, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કોઈ એકાદ સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે.
 
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્ય પ્રકારનો છુટોછવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર