કારગિલ વિજય દિવસ : લદ્દાખમાં વડા પ્રધાન મોદીએ અગ્નિપથ યોજના વિશે શું કહ્યું

શુક્રવાર, 26 જુલાઈ 2024 (13:36 IST)
કારગિલ વિજય દિવસના મોકા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી લદ્દાખમાં છે. કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર વડા પ્રધાને કહ્યું, "લદ્દાખની આ મહાન ધરતી કારગિલ વિજય દિવસનાં 25 વર્ષ પૂરાં થવાની સાક્ષી બની રહી છે."
 
વડા પ્રધાને કહ્યું કે આપણી સેનાએ છેલ્લાં વર્ષોમાં કેટલાક સાહસિક નિર્ણયો લીધા છે.
 
સેનાએ કરેલા જરૂરી સુધારાઓનું એક ઉદાહરણ અગ્નિપથ યોજના પણ છે. સંસદથી લઈને અનેક કમેટીઓમાં સેનાને યુવાન બનાવવાની વાત પર દાયકાઓ સુધી ચર્ચા થઈ હતી.
 
મોદીએ કહ્યું, "અગ્નિપથ યોજનાનું લક્ષ્ય સેનાને યુવા બનાવવાનો છે. અગ્નિપથનું લક્ષ્ય સેના યુદ્ધ માટે સતત યોગ્ય બની રહે તે છે."
 
તેમણે ઉમેર્યું, "દુર્ભાગ્ય છે કે રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાને કેટલાક લોકોએ રાજકારણનો વિષય બનાવી દીધો છે. કેટલાક લોકો સેનાના આ સુધારા પર પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જુઠ્ઠાણાનું રાજકારણ કરી રહ્યા છે."
 
વડા પ્રધાને કહ્યું, "આ એ જ લોકો છે જેમણે સેનામાં હજારો કરોડો રૂપિયાના ગોટાળા કરીને આપણી સેનાને નબળી કરી નાખી. આ એ જ લોકો છે જે ઇચ્છતા હતા કે ઍરફોર્સને ક્યારેય આધુનિક ફાઇટર જેટ ન મળે."
 
તેમણે કહ્યું કે કેટલાક લોકોની કદાચ માનસિકતા જ અવી હતી કે સેનાનો અર્થ નેતાઓને સલામ કરવી અને પરેડ કરવી. અમારા માટે સેનાનો અર્થ છે 140 કરોડ દેશવાસીઓની આસ્થા, 140 કરોડ દેશવાસીઓની શાંતિની ગૅરેન્ટી અને દેશની સરહદોની સુરક્ષાની ગૅરેન્ટી.
 
વડા પ્રધાને કહ્યું કે એ આપણી બધાની ચિંતાનો વિષય છે કે ભારતીય સૈનિકોની સરેરાશ ઉંમર વૈશ્વિક સરેરાશની તુલનામાં વધારે છે.
 
આ જ કારણે આ વિષય વર્ષો સુધી આ કમેટીઓમાં પણ ઉઠાવાયો હતો. જોકે, દેશની સુરક્ષા સાથે જોડાયલા આ પડકારનો ઉકેલ કરવાની ઇચ્છાશક્તિ કોઈએ ન દેખાડી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર