ગુજરાતમાં કેડિટ અને ડેબિટ કાર્ડથી ટ્રાફિક દંડ વસૂલવાની તૈયારી, બેંકો સાથે પણ ચર્ચાઓ

શનિવાર, 21 સપ્ટેમ્બર 2019 (12:46 IST)
કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા મોટર વ્હીકલ એક્ટમાં રાજ્ય સરકારે સુધારા બાદ ટ્રાફિક દંડની વસુલાતમાં સંપૂર્ણ પારદર્શકતા જાળવવા માટે રાજ્યના ગૃહ વિભાગે ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિ દાખલ કરવા માટે કવાયત હાથ ધરી છે. જેને પગલે ગૃહ વિભાગે બેંકો સાથે વાટાઘાટો શરૂ કરી છે.બેંકો સાથે વાટાઘાટો પૂર્ણ થતા નાણાં વિભાગની મંજૂરી લેવામાં આવશે અને ત્યાર બાદ તેનો અમલ શરૂ કરાશે. પ્રારંભિક તબક્કે રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિક પોલીસને સ્વાઇપ મશીન આપવામાં આવશે.
જેથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી ઓન લાઈન પેમેન્ટ વસૂલી શકાશે.

હાલ રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા મેન્યુલી દંડ વસુલવામાં આવે છે, જેને કારણે લેતી-દેતીની અનેક ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે આ પ્રકારની ફરિયાદોનું નિવારણ લાવવા માટે રાજ્યના ગૃહ વિભાગે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઓનલાઈન પેમેન્ટનો અમલ શરૂ થયા બાદ લોકો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ જેવા માધ્યમથી દંડનું પેમેન્ટ કરી શકશે. જેના કારણે ટ્રાફિક પોલીસ ડિજિટલ મોડમાં જોવા મળશે. ડિજિટલ પેમેન્ટ થવાને કારણે ટ્રાફિક નિયમોના અમલની કામગીરીમાં પારદર્શકતા આવશે. 16 સપ્ટેમ્બરે રાજ્યભરમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૂ થતા જ અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે રોંગ સાઈડમાં જઈ રહેલી એક યુવતી પોલીસે રોકીને રૂ.1500નો દંડ ફટકાર્યો હતો. આ મસમોટો દંડ ફટકારતા તેણીએ કહ્યું હતું કે મારી પાસે માત્ર 200 રૂપિયા છે. તો હું રૂપિયા 1500નો દંડ ક્યાંથી ભરું?. જો કે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ અમલમાં આવ્યા બાદ નાગરિકો આ પ્રકારનું બહાનું કાઢી શકશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર