સૌરાષ્ટ્રનમાં મુશળધાર વરસાદ, વિસાવદરમાં આભ ફાટ્યું, બે કલાકમાં 7 ઈંચ ખાબક્યો,
સૌરાષ્ટ્રને છેલ્લા ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ ધમરોળી રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી પડેલા અનરાધાર વરસાદથી સૌરાષ્ટ્રનાં ૧ર સ્ટેટ હાઈ – વે સહિત ૯૦ જેટલા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. સૌથી વધુ અસર દેવભૂમિ દ્રારકા જિલ્લાને થઈ હતી જો કે સૌરાષ્ટ્રનાં તમામ નેશનલ હાઈ – વે હાલ ચાલુ છે કયાંક પાણી ભરાયા હતા પરંતુ વરસાદે વિરામ લેતા હાઈ – વે પર વાહન વ્યવહાર પૂર્વવત બન્યો છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પડેલા વરસાદથી અનેક માર્ગો પર ધોવાણ થયુ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વલસાડ જિલ્લાના કપરાડામાં 9 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ રાખતા ફરી એકવાર જૂનાગઢ જિલ્લાને ઘમરોળ્યુ હતું અને વિસાવદરમાં સાંબેલાધાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ ગઈકાલે જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં થયેલી તારાજીની સ્થિતી જાણવા માટે હવાઈ નિરિક્ષણ કર્યુ હતું. જૂનાગઢ સિવાય કપરાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 9 ઈંચ કરતા પણ વધારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા. આ ઉપરાંત ખંભાળિયામાં પણ 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો.
આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.