અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા,વસીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં 11 વાગ્યે પૂર્વ વિસ્તારમાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. બીજી તરફ રાજ્યનાં 15 તાલુકાઓમાં હજી 50 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 3 ઈંચ, વલસાડમાં, અઢી ઈંચ, કપરાડામાં અઢી ઈંચ, પારડીમાં બે ઈંચ, વડોદરામાં પોણો ઈઁચ, લખપતમાં એક ઈંચ, વાલોદમાં એક ઈંચ, બારડોલીમાં એક ઈંચ, વાઘોડિયામાં અડધો ઈંચ, કપડવંજમાં અડધો ઈંચ, મહુઆમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે 207 ડેમોમાં 84.44 ટકા જળસંગ્રહ થયો છે. હાલમાં ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ભરાયેલા આ ડેમ પૈકી સૌરાષ્ટ્રના 34, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 3 ડેમનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યારે 98 ડેમ હાઈએલર્ટ ઉપર મુકાયા છે, કારણ કે ત્યાંના ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 86.56 ટકા પાણીનો સંગ્રહ થયો છે, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 79.88 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 78.94 ટકા, કચ્છના 20 ડેમમાં 74.68 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 73.84 ટકા અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 93.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે.ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. આટલો વરસાદ થયો હોવા છતાં 15 તાલુકાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે.