વડોદરામાં ત્રણ રોમિયો રિક્ષામાં જતી યુવતીને પરેશાન કરતાં હતાં, પોલીસે 30 કિ.મી પીછો કરીને પકડ્યા

શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (13:47 IST)
વડોદરામાં રિક્ષામાં જતી યુવતીને ત્રણ રોમીયો પરેશાન કરતાં હતાં. ત્રણેય જણા રિક્ષાનો પીછો કરીને યુવતીને હેરાન કરતાં હતાં. યુવતીએ આ ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે પોલીસની મદદ માંગતાં જ વડોદરા પોલીસની શી ટીમે ત્રણેય રોમીયોનો 30 કિ.મી પીછો કરીને પકડી પાડ્યા હતાં. 
 
વડોદરા પોલીસે 3થી 4 દિવસમાં જ તેઓ સામે એક્શન લીધા
વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં યુવતી કહે છે કે, સૌથી પહેલા તો આ વીડિયો જુઓ કે, જે આજે મારી સાથે થયું છે. વીડિયોમાં યુવતી ત્રણેય રોમિયોને કહે છે કે, પોલીસ સ્ટેશન આવીશ? રોકાઈ જા. ગાડી ઊભી રાખ..આ ત્રણેય છોકરાઓએ 7થી 8 કિલોમીટર સુધી ફોલો કરી હતી. યુવતી બીજા વીડિયોમાં કહે છે કે, મારો વીડિયો શેર કરવા માટે તમારો આભાર. ઘણા બઘા લોકોના મેસેજ આવ્યા કે, આ લોકો સામે એક્શન લેવાયા કે નહીં. વડોદરા પોલીસે 3થી 4 દિવસમાં જ તેઓ સામે એક્શન લીધાં છે. 3 છોકરાઓની પાછળ 30 કિલોમીટર જઈને તેઓએ પકડ્યા છે.
 
અવાજ ઉઠાવો પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે
યુવતીએ કહ્યું હું  શી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હેડ કોન્સ્ટેબલ જુનેદ સરનો આભાર. ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ગોહિલ અને પોલીસ કમિશનર શમશેરસિંગ... જેમને આ ઘટનામાં એક્શન લેવાના આદેશ કર્યાં. આજ દિવસ સુધી તમારા વિષે સાંભળ્યું હતું. આજે જોઈ પણ લીધું. હું બધાને આજે અપીલ કરું છું કે, તમે અવાજ ઉઠાવો પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે. તમારે માત્ર મદદ માંગવાની જરૂર છે. જ્યાં સુધી તમે કહેશો નહીં કે, તમારી સાથે શું થયું છે, ત્યાં સુધી પોલીસ તમારી મદદ કેવી રીતે કરશે? આવી નાની નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ કરી લે છે, પણ આપણે અવાજ ઉઠાવા માંગતા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર