પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાના કોઠા ગામ પાસે આવેલ પાનમડેમનો નજારો જોવા માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામ ખાતે રહેતા બુરહાન શેખ તેના મિત્રો સાથે આવ્યા હતા. ત્યારે ડેમ પાસે આવેલ પાનમ સિંચાઈ કેનાલમાં એક યુવાન પાણી ભરવા જતાં તે સમયે પગ લપસી જતા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે તેને બચાવવા માટે બીજા યુવકોએ પણ કેનાલમાં છલાંગ લગાવી હતી, પરંતુ જોતજોતામાં ત્રણેય મુસ્લિમ યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પાનમની સિંચાઈ કેનાલના પાણીમાં યુવાનો ડૂબી રહ્યા હતા તે સમયે ત્યાં ઉપસ્થિત બીજા લોકો પણ કેનાલમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. બનાવની જાણ તંત્રને થતાં ઘટના સ્થળે પહોંચી પાનમ જળાશય સિંચાઈ કેનાલમાં છોડવામાં આવેલ પાણી તાત્કાલિક બંધ કરાવીને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.સ્થાનિક ગ્રામજનોની મદદથી કેનાલમાંથી ભારે જહેમત બાદ એક બાદ એક યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક ત્રણ મુસ્લિમ યુવાનોમાંથી બે સગા ભાઈઓ હતા. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય મુસ્લિમ યુવાનોના મૃતદેહોને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. રમજાન ઈદના દિવસે બનેલી દુઃખદ ઘટનાને લઈને સમગ્ર કોઠંબા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જ્યારે પરિવારજનોનાં હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.