ગુજરાતમાં કોરોના મૃતકોનાં ડેથ સર્ટિ.માં કારણ લખવાની આરોગ્યમંત્રીની સ્પષ્ટ ના, હજારો સ્વજનો રૂ.50 હજારની સહાયથી વંચિત રહેશે

મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (18:12 IST)
કોરોના મહામારીએ અનેક પરિવારો વેરવિખેર કરી દીધા છે. એમાં પણ બીજી લહેરમાં આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં 5600 જેટલા કોરોના દર્દીઓનાં મોત થયાં હતાં. જોકે આ સમયે ડેથ સર્ટિફિકેટમાં ક્યાંય પણ કોરોનાથી મોતનો ઉલ્લેખ કરવાને બદલે માત્ર બીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને કારણે તેમના ંપરિવારજનોને મળનારી સહાય પણ મળી શકે એમ નથી. આમ, સરકારે કો-મોર્બિડિટીના ખેલમાં આચરેલા પાપની પીડા પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે આજે વિધાનસભાગૃહમાં કોંગ્રેસને આપેલા જવાબમાં આરોગ્યમંત્રીએ ડેથ સર્ટિફિકેટમાં કોરોના લખવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

આમ, કેન્દ્ર સરકારે તાજેતરમાં કોરોના મૃતકો માટે જાહેર કરેલી રૂ.50 હજારની સહાય પણ મળી શકશે નહીં.કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા અનેક લોકોના કોવિડ પ્રોટોકોલથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ બીમારી લખ્યું છે. આ મુદ્દો વારંવાર ઉઠાવવામાં પણ આવ્યો છે. જોકે આમ છતાં સરકાર કોરોનાથી મોત એવું લખવા તૈયાર નથી.તાજેતરમાં બનેલી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના બે દિવસના વિધાનસભા સત્રમાં કોંગ્રેસે કોરોનાના મૃતકોની સહાયનો મામલો ઉઠાવ્યો છે, જેને પગલે ગૃહમાં હોબાળો પણ કર્યો હતો. સત્રના બીજા અને અંતિમ દિવસે પ્રશ્નોતરીકાળમાં કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ મૃત્યુના કારણમાં કોરોનાથી મૃત્યુ દર્શવવામાં આવતું નથી એ બાબત સાચી છે કે નહીં તેમ પૂછ્યું હતું તેમજ કારણ લખવાની આરોગ્યમંત્રીએ ના પાડી દીધી છે. હવે જે લોકોએ કોરોનામાં સ્વજનો ગુમાવ્યા છે અને તેમના મૃત્યુના કારણ બીમારી લખ્યું છે તેમને મળવાપાત્ર સહાય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.આમ, હવે સરકાર દ્વારા મળનારી સહાય માટે તેમને ભવિષ્યમાં બનનારી કમિટી સમક્ષ તેમના સ્વજન કોરોના કે કો-મોર્બિડિટી અને સંયોગીય બાબતો સાબિત કરવી પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર