કોરોનામાં મૃત્યુ પામનાર ગુજરાતના લોકોને પણ ૫૦ હજાર આપવામાં આવશે

મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (17:48 IST)
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્ધારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો કરી રૂ.૫૦,૦૦૦/- ની સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે તે માટે રાજ્ય સરકાર દ્ધારા જિલ્લા કક્ષાએ કમિટિની રચના કરી સહાય ચુકવાશે.
 
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે કે વૈશ્ર્વિક મહામારી કોરોના અંતર્ગત તમામ દેશો જ્યારે ચિંતીત હતા અને ભારતમાં પણ કોરોનાનો પ્રવેશ થતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરીણામે અન્ય દેશો કરતાં ભારતમાં કોરોનાનો મૃત્યુદર પ્રમાણમાં ખૂબ જ ઓછો નોંધાયો છે. ગુજરાતમાં પણ જ્યારથી કોવિડનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ રાજ્ય સરકારની અસરકારક કામગીરી અને સમયબધ્ધ આયોજનના પરિણામે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોવિડનો મૃત્યુદર ખૂબ જ ઓછો છે. રાજ્યમાં છેલ્લા બે એક વર્ષથી પ્રવરતી રહેલ કોરોનાની પરિસ્થિતિ અંતર્ગત ૧૦,૦૮૨ જેટલા મૃત્યુ નોંધાયા છે.
 
ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્ધારા કોરોનાના દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે તમામ જીલ્લાઓમાં કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલો કાર્યરત કરીને પુરતી પથારીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. આજે વિધાનસભા ખાતે પ્રશ્ર્નોત્તરીમાં કેટલાક પ્રશ્ર્નોમાં માત્ર ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં થયેલ મૃત્યુના આંકડા તેમજ કેટલાક પ્રશ્ર્નોમાં જિલ્લાઓના મૃત્યુના આંકડા માગવામાં આવેલ છે. રાજ્ય સરકારે કોવિડ-૧૯ ના કારણે મૃત્યુના જે આંકડા જાહેર કર્યા છે. 
 
તેમાં મહાનગરપાલીકા વિસ્તારની વિગતો તેમજ કોવિડ કેર સેન્ટર, કોવિડ હેલ્થ સેન્ટર, તેમજ હોમ આઇસોલેશનમાં થયેલ મૃત્યુના આંકડાઓનો સમાવેશ થાય છે. અમુક જિલ્લાઓમાં પ્રશ્ર્નોત્તરીમાં માત્ર ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં જ થયેલ મૃત્યુના આંકડાઓ માંગવામાં આવેલ છે. તેમાં ખાનગી હોસ્પિટલ તેમજ આઇસોલેશનમાં રહેલ દર્દીઓના મૃત્યુના આંકડાઓનો સમાવેશ થતો નથી.
 
તેમણે ઉમેર્યુ કે, આણંદ, જૂનાગઢ, બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, વલસાડ,  દાહોદ, પોરબંદર, ભરૂચ, નર્મદા, મહેસાણા પાટણ, છોટાઉદેપુર, વડોદરા, બોટાદ, ભાવનગર, દેવભૂમિ દ્ધારકા જિલ્લાઓની માત્ર ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં થયેલ મૃત્યુના આંકડાની વિગતો તારાંકિત પ્રશ્ર્નોમાં આપવામાં આવી છે. મહાનગરપાલીકામાં કોવિડ-૧૯ના કારણે થયેલ મૃત્યુના આંકડાઓમાં કોઇ વિગતો માંગેલ નથી.
 
વધુમાં ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, કોવિડ કાળ દરમિયાન કોવિડ-૧૯ અને અન્ય ગંભીર બિમારીના કારણોસર મૃત્યુ નોંધાયુ હોય તેવા તમામ મૃતકોના સંતાનોને સહાયરૂપ થવા માટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દ્ધારા મુખ્યમંત્રી બાલ સખા યોજના જાહેર કરીને આવા બાળકોને સહાયરૂપ થવાનો નિર્ણય કરાયો હતો જે હેઠળ મૃતકના એક કરતાં વધુ પ્રત્યેક બાળકોને લાભાર્થી તરીકે સહાય આપવામાં આવે છે.
 
ઋષિકેશ પટેલે કહ્યુ કે, કોવિડ-૧૯ માં નોંધાયેલ મૃત્યુ સંદર્ભે ભારત સરકારના ગૃહ વિભાગના તા.૨૫.૦૯.૨૦૨૧ ના પત્રથી  SDRFની હાલની જોગવાઇઓમાં ઉમેરો કરી રૂ.૫૦,૦૦૦/- ની સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે. જે સંદર્ભે ગુજરાતમાં આ સહાય ચુકવવા જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરી ભારત સરકારની સુચના મુજબ  રૂ.૫૦,૦૦૦/- ની સહાય રાજ્ય સરકાર દ્ધારા ચુકવાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર