ગુજરાતભરમાં હજારો સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા,જૂની પેન્શન યોજના સહિત પ્રશ્નો મુદ્દે સરકાર સામે લડત

સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (12:17 IST)
જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતાં સરકારનું મુખ્ય અંગ ગણાતા સરકારી કર્મચારીઓમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. એટલુ જ નહીં, સરકારી કર્મચારીઓએ હવે રસ્તા પર ઉતરવુ  પડયુ છે. આંદોલન ઠારવા માટે પાંચ મંત્રીઓની કમીટી રચાયા બાદ પણ કોઇ ઉકેલ આવી શક્યો નથી. રવિવારે અમદાવાદમાં હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર વચ્ચે ત્રણ કી.મી લાંબી અધિકાર જયઘોષ મહારેલી યોજાઇ હતી. રજાના દિવસે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રેલીમાં ઉમટી પડયા હતા અને કર્મચારી એકતાના દર્શન કરાવ્યા હતાં. આ  ઉપરાંત કચ્છ, મહેસાણા સહિત ઝોન વાઇઝ રેલી યોજી સરકારી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ગુજરાતમાં પોતાના હક માટે સરકારી કર્મચારીઓએ મેદાનમાં આવવુ પડ્યુ છે. જૂની પેન્શન યોજના સહિત કુલ ૧૯ માંગોને લઇને સરકારી કર્મચારી મંડળોએ અનેક વાર સરકારમાં રજૂઆતો કરી હતી પણ આજદીન સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી. સરકારે માત્ર વાયદા વચનો આપીને સરકારી કર્મચારીઓને પણ ખો આપી હતી. આ વખતે સરકારી કર્મચારીઓ કોઇ બાંધછોડ કરવાના મૂડમાં નથી. આજે અમદાવાદમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આપેલા એલાન મુજબ, ઇન્કમટેક્સથી કલેક્ટર કચેરી સુધી જયઘોષ અધિકાર મહારેલી નીકળી હતી જેમાં તલાટી,આરોગ્ય કર્મચારી, વનરક્ષક ઉપરાંત કુલ મળીને સરકારના ૭૨ વિભાગના કર્મચારીઓ જોડાયા હતાં. રજાનો દિવસ હોવા છતાંય કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં ઉમટયા હતાં. હમારી માંગે પૂરી કરો, જૂની પેન્શન યોજના લાગુ કરો તેવા સૂત્રોચ્ચાર વચ્ચે ત્રણ કી.મી લાંબી રેલી નીકળી હતી જેના પરથી કર્મચારીઓમાં સરકાર વિરુધ્ધ કેટલો આક્રોશ છે તે સ્પષ્ટ પ્રદર્શિત થતુ હતું. વિશાળ રેલીને કારણે ટ્રાફિક જામ થયો હતો. રેલીમાં કર્મચારીઓએ પોલીસના ગ્રેડ-પે વધારવા માટે પણ  સૂત્રો પોકાર્યા હતાં. ગુજરાત ન્યાયખાતા કર્મચારી મંડળના પ્રમુખ રાજુ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, સાતમુ પગાર પંચ લાગુ કરાયુ છે પણ તેનો આજદીન સુધી કર્મચારીઓને લાભ અપાયો નથી. અનેકવાર રજૂઆત છતાંય સરકારને કર્મચારીઓના પ્રશ્ન ઉકેલવામાં જાણે રસ જ નથી. હવે નક્કી થયેલાં કાર્યક્રમ અનુસાર, તા. ૧૭મીએ આખાય રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે.અમદાવાદ જ નહીં, કચ્છ, મહેસાણા, રાજકોટ અને વડોદરામાંય કર્મચારીઓએ રેલી યોજીને સરકાર વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો હતો. કર્મચારી મંડળોનો આક્રોશ છેકે, પાંચ પાંચ મંત્રીઓની કમીટી રચાઇ છે પણ આંદોલન ઠારવા કોઇ પ્રયાસ થતા નથી. બલ્કે કર્મચારીઓમાં ફાટફુટ પડાવી આંદોલન તોડવા પ્રયાસ થઇ રહ્યા છે. પહેલીવાર એવુ બન્યુ છેકે, બધાય કર્મચારી મંડળોએ નક્કી કર્યુ છેકે, જયાં સુધી પ્રશ્ન હલ ન થાય, સરકારમાં લેખિત આપે નહી ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. સરકારના મૌખિક વચન પર આંદોલન સમાપ્ત નહી થાય. આમ, આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર થવા એંધાણ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર