અમદાવાદમાં દશામાની મૂર્તિનુ ઘરમાં જ કરવુ પડશે વિસર્જન, સરકારે સાબરમતીમાં વિસર્જન પર મુક્યો પ્રતિબંધ

બુધવાર, 4 ઑગસ્ટ 2021 (21:14 IST)
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પણ સરકારે કેટલાક નિયમ બનાવ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા કેટલાક નિયંત્રણો ધીમે ધીમે હટાવી પણ દેવામાં આવ્યાં છે. આગામી 8મી ઓગસ્ટથી દશામાના તહેવારો પ્રારંભ થવાના છે. દશામાની મૂર્તિઓ નદીમાં અને કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ સાબરમતી નદીમાં કે કૃત્રિમ કુંડોમાં મૂર્તિ વિસર્જન નહિ કરી શકાય. શ્રદ્ધાળુઓએ દશામાની મૂર્તિની સ્થાપન અને વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે તેમજ વ્યક્તિઓ કે ટોળામાં શોભાયાત્રા-સરઘસ કાઢીને મૂર્તિનું વિસર્જન ન કરે એવી અપીલ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
 
ઘરમાં જ મૂર્તિનું વિસર્જન કરવા પોલીસની અપીલ
અમદાવાદ શહેર પોલીસના જણાવ્યા મુજબ આ વર્ષે કૃત્રિમ કુંડો બનાવવામાં આવ્યા નથી અને સાબરમતી નદીમાં લોકો દશામાની મૂર્તિઓ વિસર્જન નહિ કરી શકે. મૂર્તિની ઘરે જ સ્થાપના કરવાની રહેશે તેમજ વિસર્જન પણ ઘરમાં કરવામાં આવે એવી પોલીસની લોકોને અપીલ છે.
 
દશામાની મૂર્તિની ફાઈલ તસવીર.
 
અમદાવાદ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે અને તેની ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી છે. આગામી 8 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી દશામાના વ્રત ચાલશે. વર્ષોથી દશામાની મૂર્તિઓ સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ જગ્યાએ કૃત્રિમ કુંડો ઊભા કરવામાં આવે છે. જોકે આ વર્ષે પણ કોરોનાના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે કૃત્રિમ કુંડો બનાવવામાં આવશે નહિ કે સાબરમતી નદીમાં મૂર્તિઓ વિસર્જન કરી શકશે નહીં.
 
17 ઓગસ્ટ સુધી શહેરમાં રાત્રે 11થી સવારના 6 સુધી કર્ફ્યૂ
 
કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ 31 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી અમદાવાદ શહેરમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ શ્રદ્ધાળુઓ દશામાની મૂર્તિની ઘરમાં જ સ્થાપના કરે અને મૂર્તિનું વિસર્જન પોતાના જ ઘરે કરે એ યોગ્ય છે. કોઈ વ્યક્તિ કે ટોળામાં સરઘસ કે શોભાયાત્રા કાઢીને મૂર્તિનું વિસર્જન કરવા ન જાય અને ઘરે જ એનું વિસર્જન કરે એવી તમામ અમદાવાદીઓને પોલીસની અપીલ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર