Ambaji માં લગ્ન કંકોત્રી અર્પણ કરનાર ભક્તોને અપાશે આ ભેટ, નવદંપતીને મળશે માંના આશીર્વાદ

સોમવાર, 1 મે 2023 (18:50 IST)
કંકોત્રી આપનારને માતાજીના આશીર્વાદ રૂપે ચૂંદડી, પ્રસાદ વગેરે આપવામાં આવી હતી
 
 સામાન્ય રીતે પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તો મંદિરમાં કંકોત્રી મુકવાનો રિવાજ છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર તરફથી આ વખતે ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. માતાજીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પોતાના ઘરે કોઈ શુભ પ્રસંગ કે લગ્નપ્રસંગ હોય તો માતાજીને પોતાના પ્રસંગમાં આમંત્રણ આપવા કંકોત્રી માતાજીનાં ચરણોમાં ધરાવે છે. અંબાજી ખાતે આજથી નવદંપતીઓને મંદિર તરફથી આશીર્વાદ સ્વરૂપે કિટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માતાજીના આશીર્વાદ રૂપે ચૂંદડી, પ્રસાદ વગેરે આપવામાં આવી હતી.
 
કિટનું અંબાજી મંદિરમાંથી વિતરણ શરૂ કરી દેવાયુ
અંબાજી મંદિરમાં જે પણ યાત્રાળુ કંકોત્રી ધરાવશે તેને મા અંબાના આશીર્વાદ રૂપે કિટ આપવામાં આવશે અને એમાં માતાજીને ધરાવેલા કુમ કુમ, ચૂંદડી, પ્રસાદ, માતાજીનો દોરો સહિતની વસ્તુઓ આશીર્વાદ રૂપે આપવામાં આવશે. આજથી આ કિટનું અંબાજી મંદિરમાંથી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આગામી સમયમાં લોકોના પ્રતિસાદ અનુસાર ફેરફાર પણ કરવામાં આવશે.  
 
કંકોત્રીની અંબાજી મંદિર ખાતે નોંધણી કરાશે
આ બાબતે મા અંબાને પત્રિકા પાઠવવા આવેલા યાત્રાળુએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હું વર્ષોથી અંબાજીમાં જ રહું છું. મારી દીકરીના લગ્ન છે. આજે અંબાજી ટ્રસ્ટ તરફથી કંકોત્રી નોંધવાની જાહેરાત કરી હતી. જેથી હું અંબાજી ટ્રસ્ટમાં કંકોત્રી નોંધાવવા આવ્યો છું ને મંદિર તરફથી માના આશીર્વાદ રૂપે અમને કિટ આપવામાં આવી છે. માતાજીને અર્પણ કરાયેલી લગ્નપત્રિકાને ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર પાછળ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે રૂબરૂમાં સ્વીકારવામાં આવશે. રૂબરૂમાં આપેલી કંકોત્રીની અંબાજી મંદિર ખાતે નોંધણી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર