શબ્દ કદાચ સડેલો હોઈ શકે પણ સમગ્ર રાજ્યનું શિક્ષણ આવુ ના હોઈ શકેઃ મંત્રી ઋષિકેશ પટેલ

સોમવાર, 26 જૂન 2023 (14:29 IST)
- IAS અધિકારી ડો. ધવલ પટેલે શિક્ષણ સચિવને લખેલા પત્ર અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
 
 - આ પ્રજ્ઞાચક્ષુ જેવું છે તે જ્યાં સ્પર્શ કરે તેટલું વર્ણન તે કરી શકેઃ મંત્રી ઋષિકેશ પટેલ
 
ગાંધીનગરઃ શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લામાં ગયેલા ગુજરાત સરકારના 2008 બેચના IAS અધિકારી ડો. ધવલ પટેલે શિક્ષણ સચિવ વિનોદ રાવને ઉદ્દેશીને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, તેમની ચકાસણી દરમિયાન શિક્ષણનો સ્તર આ શાળાઓમાં નબળો હતો. આ અંગે ખૂબ હિંમત દાખવીને તેમણે કહ્યું છે કે ગરીબ આદિવાસી બાળકોને આવું સડેલું શિક્ષણ આપીને આપણે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ તેવું મને લાગ્યું છે. તેમના આ પત્ર બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત એક એવો ભોગોલિક પ્રદેશ છે, જ્યાં દરિયા કિનારો,  જંગલો, પહાડો અને પ્લેન ટેબલ એરિયા પણ છે. આવા તમામ વિસ્તારોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવા સરકાર ખંતથી પ્રયત્ન કરી રહી છે.
 
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી
ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે આનું બ્રિફિગ લીધું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે. જ્યાં કોઈ મુશ્કેલી હોય એ પ્રકારનું રિપોર્ટિંગ કરશો તો આગામી સમયમાં જ્યાં આગળ આપણને નાની મોટી તકલીફો માલુમ પડી છે તે સુધારવાનો અવકાશ અને મોકો મળશે. આવું કહેતાની સાથે જે લોકોને યોગ્ય અનુભવ નહોતો અથવા તો જ્યાં આગળ સૂચનો કરવા જેવા હતા એટલે સ્વાભાવિક ધવલભાઈએ પણ એ સૂચન કર્યું હતું અને એ બાબતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. એક વાત સાચી છે કે કોવિડ દરમિયાન શિક્ષણ કથળ્યુ હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે, મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે. શબ્દ કદાચ સડેલો હોય શકે છે પણ સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ના હોય શકે 
 
સરકારે પોતે શરૂ કરેલો ગુણોત્સવ બંધ કરી દીધો
ગઈકાલે IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી શાળા પ્રવેશોત્સવમાં જે શાળાઓની મુલાકાત લીધી તેની સ્થિતિ વર્ણવી હતી. મુલાકાત લીધેલી શાળાઓની હાલત દયનીય હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. સરકારે પોતે શરૂ કરેલો ગુણોત્સવ બંધ કરી દીધો, પરંતુ પ્રવેશોત્સવ દરમિયાન જ ગુણોત્સવ ઊજવીને સિસ્ટમની પોલ ખોલી છે. પત્રમાં આગળ લખ્યું છે કે, આ આદિવાસી બાળકો પેઢી દર પેઢી મજૂરી જ કરે રાખે અને આગળ ન વધે તે આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. આ બાળકો અને તેમનાં માતા-પિતા આપણા પર આંધળો વિશ્વાસ મૂકે છે અને તેમની સાથે આ પ્રકારે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર