ધોરણ 10 પરીક્ષા લેવાશે કે નહી? 15 મે લેવાશે નિર્ણય

મંગળવાર, 4 મે 2021 (10:28 IST)
ગુજરાતમાં કોરોનાની મહામારીને કારણે હાલ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને 1થી 9 તેમજ 11માં ધોરણને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યુ છે પણ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ નથી રાખવામાં આવી છે. હાલ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ  જણાવ્યું હતુ કે, પૂરતો સમય આપીને પરિસ્થિતિની સમીક્ષા કરીને 15 મેના રોજ નિર્ણય લેવામાં આવશે. 
 
ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ 10મેથી 25મે સુધી યોજાવાની હતી. જેને કોરોના વાઇરસની કથળતી સ્થિતિને જોતાં સ્થગિત કરી દેવામાં આવી છે. જો ફરીથી પરીક્ષાઓ યોજવામાં આવશે તો વિદ્યાર્થીઓને તેની તૈયારી માટે ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પૂરતા તૈયાર થઈ શકે.
 
એકાદ મહિના પછી કોરોનાના કેસોમાં ઘટાડો થાય અને સ્થિતિ યથાવત્ થાય પછી ધોરણ 10ની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીને પ્રમોશન આપવું સહેલું છે. પ્રમોશન આપવાથી વિદ્યાર્થીને કાયમી નુકસાન થાય છે તે ભરપાઈ થઇ શકે તેમ ન હોવાથી ઓફલાઇન પરીક્ષા લેવી આવશ્યક છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં ઘણા રાજ્યોએ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મુલતવી રાખી છે, જેમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હિમાચલપ્રદેશ,ઝારખંડ, ઓડિશા, મણિપુર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર