બોટાદમાં ભાજપની પ્રદેશ કારોબારી વખતે કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત થવાની સંભાવના

ગુરુવાર, 27 જૂન 2024 (12:52 IST)
આગામી ચોથી અને પાંચમી  જુલાઈએ સાળંગપુરમાં ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠક વખતે જ અથવા તે પહેલાં પ્રદેશ ભાજપના કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. વર્તમાન પ્રમુખ પાટીલ કેન્દ્રીય મંત્રી બનતા વચગાળાની વ્યવસ્થા માટે કાર્યકારી પ્રમુખ તરીકે મહામંત્રી રજની પટેલ અથવા વિનોદ ચાવડાની નિયુક્તિ થાય તેવી ચર્ચાઓ ભાજપના સુત્રોમાં થઈ રહી છે. આ દરમિયાન એક પ્રસ્તાવ પસાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર કેન્દ્રમાં સરકાર બનાવવા માટે અભિનંદન પાઠવવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વમાંથી અતિથિ તરીકે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ હાજર રહેશે. 
 
સદસ્યતા અભિયાન બાદ સંગઠન પર્વની શરૂઆત થશે
આ બેઠકમાં ભાગ લેવા માટે વર્તમાન પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવશે. તે ઉપરાંત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લાના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહેશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ તેમના અનુગામી સહિત સમગ્ર પ્રદેશ ભાજપ માળખું બદલાશે તે નિશ્ચિત છે.આ બદલાવ ત્વરિત આવે તેવી સંભાવના ઓછી છે. બે મહિના સુધી સદસ્યતા અભિયાન ચાલ્યા બાદ સંગઠન પર્વની શરૂઆત થશે.આગામી છ મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓ હોવાથી કાયમી પ્રમુખ નિમવા જરૂરી છે.
 
બે મહિના માટે ભાજપ સદસ્યતા અભિયાન ચલાવશે
આગામી બે મહિના માટે ભાજપમાં સદસ્યતા અભિયાન યોજાવા જઇ રહ્યું છે. આ 60 દિવસ દરમિયાન મહત્તમ લોકોને ભાજપના કાયમી અને સક્રીય સભ્યો તરીકે જોડીને પાર્ટીનું વિસ્તરણ કરવામાં આવશે. આ કારોબારી બેઠકમાં પણ પ્રદેશના 300 કરતાં વધુ કારોબારી સભ્યો પક્ષને મજબૂત કરવાનો સંકલ્પ લેશે. ભાજપ મિસ્ડકોલ અભિયાન અને ઘરે- ઘરે ફરીને પોતાના સભ્યો બનાવશે. આ ઉપરાંત નવેમ્બરમાં બોર્ડના પ્રમુખોની ચૂંટણી યોજાઈ શકે છે અને જિલ્લા પ્રમુખોની પસંદગી પણ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ભાજપને નવા પ્રદેશ પ્રમુખની પસંદગી ડિસેમ્બરમાં થાય તેની અટકળો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર