દીવના દરિયામાં ડૂબેલી મહિલાને શોધવા હેલિકોપ્ટર અને ડ્રોનથી શરૂ કરાયું સર્ચ ઓપરેશન

ગુરુવાર, 27 જૂન 2024 (12:38 IST)
daman
ગુજરાતમાં હાલમાં વરસાદની સિઝન જામી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દીવના દરિયામાં એક મહિલાએ કૂદકો માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.સ્થાનિક વ્યક્તિએ પોલીસને જાણ કરતાં પોલીસ તથા ફાયર બ્રિગેડ સહિતની ટીમો દરિયા કિનારે પહોંચી ગઈ હતી અને મહિલાની શોધખોળ હાથ ધરી હતી. આજે સવારે પણ મહિલાને શોધવા ટીમો કામે લાગી છે. 
 
ગઈકાલ સાંજથી મહિલાને દરિયામાં શોધવામાં આવી રહી છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે દીવના ઘોઘલામાં રહેતી મહિલા કલ્પનાબેન દિવ્યેશ સોલંકી ગંગેશ્વર મંદીર પાસે આવેલા દરિયાના કાંઠે ખડક પર ગયા બાદ પરત નહિ આવતાં ત્યાંના સ્થાનિકે પોલીસને જાણ કરી હતી. મહિલાના પરિવારને આ વાતની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.દરિયાકાંઠે મહિલાના ચંપલ તથા ખડક પરથી સાડીનો કટકો પણ મળી આવ્યો હતો. તે ત્યાંથી કૂદી હોય તેમજ અન્ય કોઇ કારણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસને જાણ થતાં પોલીસ તથા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહિલાની શોધખોળ કરી રહ્યા છે. પોરબંદર કોસ્ટગાર્ડના ચોપર હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરા દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે. ગઈકાલ સાંજથી મહિલાને દરિયામાં શોધવામાં આવી રહી છે. આજે સવારથી ફરી શોધખોળ શરૂ કરાઈ છે.
 
માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો. દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઇ શકે છે.હવામાન ખાતાએ ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યુ છે કે, સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે. ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર