Weather alert- આજે ચામડી બાળી નાખે તેવી રહેશે ગરમી- 43થી 45 ડિગ્રી થવાની શક્યતા

ગુરુવાર, 11 મે 2023 (07:33 IST)
Orange Alert in Ahmedabad - બુધવાર અને ગુરુવારે શહેરમાં ગરમીનો પારો 43થી 45 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. મ્યુનિ.એ બહાર પાડેલી એડવાયઝરીમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાને વિશેષ તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને છાશ-પાણી જેવાં પ્રવાહી પીણાં વધુ પ્રમાણમાં લેવાની સલાહ અપાઈ છે. લુ લાગે તો ચક્કર, સ્નાયુમાં દુખાવો, ઉબકાં, ઉલટી, સહિતના લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચન કરાયું છે.
 
મ્યુનિ. તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ બીઆરટીએસ અને એએમટીએસના કેટલાક સ્ટેન્ડ પર ઓઆરએસના પેકેટ પણ મૂકશે. ​​​​​​​વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇપ્રેશર સિસ્ટમની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. સોમવારે અમદાવાદમાં બપોરે 12 વાગ્યે જ ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચી ગયો હતો. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો હતો. એક ખાનગી હવામાન વેબસાઇટના આંકડાઓ મુજબ, સાંજે 5.30 કલાકે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું. બપોરના 12થી 3ના ગાળામાં ગરમીનો પારો 3 ડિગ્રી વધ્યો હતો. બે દિવસમાં પારો 43થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
 
સોમવારે સૌથી વધુ 42 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી. પછી અમદાવાદ બીજા ક્રમે હતું. રાજકોટમાં 41.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મેની શરૂઆતથી જ ગરમીનો પારો ઊંચકાતાં પ્રથમ સપ્તાહમાં 108 એમબ્યુલન્સ દ્વારા 465 લોકોને પેટના દુખાવા અને 304 લોકોનો ચક્કર સાથે બેભાન થવાની તકલીફમાં સારવાર અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. 1થી 7 મે દરમિયાન 108 એમબ્યુલન્સને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મળીને ગરમીને કારણે પેટમાં દુખાવો, ડાયેરીયા-વોમિટિંગ સહિતના 1151 કોલ મળ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર