અમદાવાદમાં ફોઈના ઘરે રહેતી યુવતી કોલેજના મિત્ર સાથે પ્રેમમાં પડી, ફોઈને જાણ થતાં અભ્યાસ બંધ કરાવ્યો

બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (08:54 IST)
પ્રેમપ્રસંગના અનેક વિચિત્ર કિસ્સાઓ સમાજમાં બની રહ્યાં છે. ઘણી વખત પ્રેમમાં પડવાના કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતો હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોલેજિયન યુવતીને કોલેજના એક યુવક સાથે પ્રેમ થયો હતો. આ યુવતી તેની ફોઈના ઘરે રહેતી હોવાથી ફોઈને આ વાતની જાણ થતાં જ યુવતીનો અભ્યાસ બંધ કરાવી દીધો હતો અને ઘરમાંથી બહાર પણ નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. આખરે યુવતીએ હેલ્પલાઈનની મદદ માંગતો મામલો થાળે પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં એક યુવતી પોતાની ફોઈના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. આ યુવતીને તેની કોલેજના એક યુવક સાથે પ્રેમ થયો હતો. આ બાબતની જાણ યુવતીની ફોઈને થતાં જ તેનો અભ્યાસ બંધ કરાવી દીધો હતો અને ઘરની બહાર પણ જવા દેવામાં નહોતી આવતી. જેથી યુવતીને વારંવાર આપઘાત કરવાનો વિચાર આવતો હતો. તેણે આખરે અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. હેલ્પલાઈનની ટીમે યુવતીના ઘરે જઈને ફોઈ અને યુવતી બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. અભયમની ટીમે યુવતીની પુછપરછ કરી હતી. આ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, તે કોલેજમાં અભ્યાસ કરે છે અને તેની ઉંમર 19 વર્ષની છે. થોડા સમય પહેલાં કોલેજમાં એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હોવાથી યુવતી પ્રેમી સાથે હરતીફરતી હતી. આ અંગેની જાણ તેના ફોઈને થઈ ગઈ હતી. ફોઈએ યુવતીનું કોલેજ જવાનું બંધ કરાવી દીધું હતું. તે ઉપરાંત બહાર પણ જવા દેવામાં આવતી નહોતી. અવાર નવાર મેણા ટોણા મારતાં હતાં. યુવતીએ ફોઈની માફી માંગી હતી અને ફરી વખત આવી હરકત નહીં કરવાની પણ વાત કરી હતી. તેમ છતાં ફોઈ કંઈ માનવા તૈયાર ન હતાં અને યુવતીને ઘરની બહાર નીકળવા દેતા ન હતાં. જેથી યુવતીને જાતે જ આપઘાત કરવાનો વિચાર આવવા લાગ્યો હતો. આ સાંભળીને અભયમની ટીમે યુવતીને સાંત્વના આપી હતી. બાદમાં યુવતીનું કાઉન્સેલિંગ કરતાં જણાવ્યું હતું કે, અભ્યાસની ઉંમરે પ્રેમ કરવો યોગ્ય નથી. પોતાનું ભવિષ્ય બગડી શકે છે. ફોઈનું પણ કાઉન્સેલિંગ કરતાં જણાવ્યું હતું કે, યુવતીનો અભ્યાસ બંધ કરાવી દેવાથી તેનું ભવિષ્ય બગડી રહ્યું છે. યુવતીએ પોતાની ભુલ સ્વીકારી હતી અને ફરીવાર આવું નહીં કરવા બાંહેધરી આપી હતી. જેથી ફોઈએ યુવતીને ફરીવાર કોલેજમાં અભ્યાસ માટેની પરમીશન આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર