સ્વચ્છતાની ગુલબાંગો પોકારતી રાજ્ય સરકાર, તંત્રને પણ રસ નથી. જુઓ ગુજરાતના સ્વચ્છ શહેરોની સ્થિતી

શુક્રવાર, 5 મે 2017 (13:11 IST)
દિલ્હીમાં ગુરુવારે યોજાયેલા કાર્યક્રમમાં શહેરી વિકાસ મંત્રીએ સ્વચ્છ શહેરોના ક્રમની યાદી જાહેર કરી હતી. ક્વોલિટી કાઉન્સીલ "ફ ઈન્ડિયા દ્વારા કુલ 2000 ગુણમાંથી  શહેરમાં કચરાનું ડોર ટુ ડોર કલેક્શન, પ્રોસેસિંગ, નિકાલ, ખુલ્લામાં શૌચ મુક્ત વગેરે માપદંડો આધારે 45 ટકા ગુણ, 30 ગુણ શહેરીજનોના ફીડબેક આધારે તેમજ 25 ટકા ગુણ સ્વતંત્ર નિરીક્ષણના આધારે આપી આ સરવે કરાયો હતો.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના 434 શહેરોમાં કરાયેલા સ્વચ્છતા સરવેમાં આ વર્ષે મહેસાણા શહેરનો કુલ 2000માંથી 1239 ગુણ સાથે 99મો ક્રમ આવ્યો છે. ગત વર્ષે 107મો ક્રમ હતો. જો કે, ગત વર્ષે રાજ્યની નગરપાલિકાઓમાં મહેસાણા પ્રથમ ક્રમે હતું તે આ વખતે 15મા ક્રમે પહોંચ્યું છે અને તેનાથી નાના શહેરો પણ આગળ નિકળી ગયા છે. ઉલ્લેખનિય છે કે, આ સરવે ઓગસ્ટ-16થી જાન્યુઆરી-17 સુધીમાં થયો હતો. જો કે, હાલમાં શહેરમાં સર્જાયેલા ગંદકીના ઢગ જોતાં શહેરીજનો માટે આ સરવેનું પરિણામ આશ્ચર્યજનક છે.

દેશના 434 શહેરોમાં થયેલા સરવેમાં ગુજરાતની 7 મહાનગરપાલિકા" સહિત 31 શહેરોનો સમાવેશ થયો હતો. ઉલ્લેખનિય છે કે, 2 લાખથી "છી વસતીવાળા શહેરોમાં નવસારી શહેર સમગ્ર પશ્ચિમ ઝોનમાં પ્રથમ ક્રમે છે. ઉત્તર ગુજરાતમાં ગત વર્ષની સાપેક્ષે સૌથી વધુ પાલનપુર શહેરે સ્વચ્છતાની દૃષ્ટિએ સુધારો કર્યો છે. ગત વર્ષે પાલનપુર 410 રેન્ક સાથે ઉત્તર ગુજરાતના ચાર શહેરોમાં સૌથી પાછળ હતું તે આ વખતે 95 રેન્ક સાથે પ્રથમ છે.સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાને દેશમાં 10મું સ્થાન મળતાં પાલિકાનું તંત્ર હરખાઇ ગયું છે, પરંતુ વડોદરા શહેરની રિયાલિટી કંઇક જુદી જ છે. પરંતુ જો થોડી વધુ ચીવટ રાખી હોત તો વડોદરા સુરતને પણ પછાડીને ટોપ-3માં સ્થાન હાંસલ કરી શકયું હોત.


સર્વેક્ષણમાં જાહેર શૈચાલય, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કચરા કલેકશન સહિતની કામગીરીના 45 ટકા, ફિલ્ડ ઈન્પેકશનના 25 ટકા અને સિટીઝન્સ ફીડબેકના 30 ટકાના માપ દંડ સાથે 2000 ગુણ નિર્ધારિત કરાયા હતા. વડોદરાને 1703 ગુણ મળતા 10મો ક્રમાંક મળ્યો હતો. જો ખરેખર સ્વચ્છતા ઝુંબેશને અસરકારક બનાવી હોત તો ચોથાક્રમે રહેલા સુરત કરતા વડોદરા અગ્રેસર રહ્યું હોત. માંજલપુર શ્રેયસ સ્કૂલની સામેના ભાગે તલાવડી તરીકે જાણીતી વોટર બોડીમાં કચરો ઠલવાય છે અને તેના કારણે વોટર બોડી ડમ્પિંગ યાર્ડ બની છે. કચરાથી કિનારો આખો ઢંકાઇ ગયો છે.  માંજલપુર વોટરબોડીની સાફસફાઇ માત્ર કિનારાના ભાગે કરાય છે. અંદર સફાઇ કરવા માટે પાલિકાના વિભાગો એકબીજા પર જવાબદારી ઠાલવી રહ્યા છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરોડોનો ધુમાડો કરાયો હોવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ ફરી 14મા ક્રમે આવ્યું છે. જ્યારે અમદાવાદ કરતાં નાના શહેર એવા સુરત ચોથા અને વડોદરા 10મા ક્રમે આવ્યા છે. 

આમ મ્યુનિસિપલ શાસકો અમદાવાદને પ્રથમ ક્રમનો દરજ્જો અપાવવામાં સફળ થયા નથી અને તેના લીધે સ્વચ્છતા અંગે પ્રશ્નો ઉભા થયા છે. સેલ્ફ ડેક્લેરેશન અંગે સુપરત કરાયેલ ડોક્યુમેન્ટ, ઓનસાઈટ ઓબ્ઝર્વેશન અને લોકોમાં જાગૃતિ કેળવીને સિટીઝન ફીડબેકના માપદંડોમાં સુરત અગ્રેસર રહ્યું છે. વિપક્ષી નેતા દિનેશ શર્માએ જણાવ્યું છે કે, કચરાના એકત્રીકરણથી માંડીને તેના નિકાલ માટે ભાજપના શાસકોમાં નક્કર આયોજનનો અભાવ છે. કેન્દ્ર સરકારે શહેરોમાં સ્વચ્છતા જાળવવા બે વર્ષ પહેલાં સ્વચ્છ ભારત મિશન અમલમાં મૂક્યું છે અને શહેરોના કરોડોની ગ્રાન્ટ આપી છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિત પ્રથમ વર્ષે દેશના 75 શહેરોનો સમાવેશ કરાયો હતો. ચાલુ વર્ષે 500 શહેરોનો સમાવેશ કર્યો છે. મેયર સહિત ભાજપના નેતાઓ અને અધિકારીઓ ઝાડુ લઈને ફોટા પડાવીને પ્રસિદ્ધિ મેળવી હતી તેમજ 1 લાખ, 15 હજાર નાગરિકોએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી હતી. 

ડોક્યુમેન્ટેશન, કચરાનો નિકાલ અને લોકોમાં જાગૃતિ કેળવવા સહિતના માપદંડોમાં અમદાવાદને ઓછા પોઈન્ટ મળ્યા છે. નાગરિકો પાસેથી મેળવવામાં આવેલ ફીડબેકમાં શહેરીજનોએ રસ્તા તૂટેલા હોવા, ગટરો બેક મારવા, પાણી મળતું નથી અને કચરો ઉપાડવા સહિતની ફરિયાદો કરી હોવાનું જાણવા મળે છે. ડો. ભાવિન સોલંકીએ કહ્યું કે, ડોક્યુમેન્ટેશન, સેલ્ફ ડેક્લેરેશન, ઓનસાઈટ ઓબ્ઝર્વેશન અને સિટી ફીડબેકમાં અમદાવાદ કરતાં સુરતને વધુ પોઈન્ટ મળ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ માટે ધ્યાનમાં લેવાયેલા ત્રણ માપદંડોમાં સિટીઝન ફીડબેકનો હિસ્સો 30 ટકા, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનનો હિસ્સો 25 ટકા અને મ્યુનિસિપલ ડોક્યુમેન્ટેશનનો હિસ્સો 45 ટકા હતો. આમ, સ્વચ્છતા અંગેના માપદંડોને ધ્યાનમાં લઈને અમદાવાદને કુલ 1,657 માર્ક મળ્યા છે અને સુરતને 1,7,62 માર્ક મળ્યા છે.

વેબદુનિયા પર વાંચો