જૂનાગઢ તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર

શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (18:19 IST)
તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટને આજે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલ દ્વારા તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ATS દ્વારા શુક્રવારે અમદાવાદના એસજી હાઇવેથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. 
 
સરકારી વકીલે 14 દિવસના રિમાન્ડ માંગ્યા
જૂનાગઢ તોડકાંડ મામલે સરકારી વકીલ દ્વારા તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. તેની સામે તરલ ભટ્ટના વકીલે દલીલ કરી હતી કે, અરજદાર પાસેથી તરલ ભટ્ટે સીધી પૈસાની માંગણી કરી નથી. સમગ્ર કાંડના મુખ્ય આરોપી SOGના અધિકારીઓ છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે, તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો કઈ જગ્યાએથી મેળવી હતી? કોના થકી મેળવી હતી? તરલ ભટ્ટને બેંક ખાતાની માહિતી આપનાર કોણ છે? જ્યારે બચાવ પક્ષની દલીલ કરી હતી, તરલ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે.
 
ATS દ્વારા રિમાન્ડના 13 કારણો કોર્ટ સમક્ષ મુકાયા
જૂનાગઢની કોર્ટમાં ATS દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ATS દ્વારા પોલીસ કસ્ટડીમાં જ પૂછપરછ થાય તેવી વાત રિમાન્ડના કારણોમાં દર્શાવી છે. આ સંદર્ભે કોર્ટમાં સુનાવણી દરમિયાન અલગ-અલગ કારણોમાં તરલ ભટ્ટ પાસેથી ટેકનિકલ ડિટેલથી લઈને વિગતો મેળવવાની પણ બાકી હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તરલ ભટ્ટ સાથે અન્ય કેટલા પોલીસ અધિકારીઓ ગુનાહિત કૃત્યમાં સામેલ છે? કેટલા બેંક ખતાધારકોના ખાતા ફ્રીઝ કરી તોડ કરવામાં આવ્યો છે? તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. તરલ ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાના કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરવા ATS લાગી કામે છે. જ્યારે ATS દ્વારા રિમાન્ડના 13 કારણો કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યાં હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર