વડોદરાના સુરસાગરમાં સુવર્ણજડિત 111 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા પર મધમાંખીઓએ મધપૂડો બનાવ્યો

સોમવાર, 22 મે 2023 (15:08 IST)
વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ સ્થિત સુવર્ણ જડિત 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા ઉપર મધમાખીઓએ ઘર બનાવ્યું છે. શિવજીના ડાબા હાથમાં મધપૂડો જોવા મળતા લોકોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયો વાઇરલ થતાં ધારાસભ્ય યોગેશ પટેલ સુરસાગર ખાતે દોડી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, શિવજીની પ્રતિમા ઉપર થયેલો મધપૂડો કેવી રીતે દૂર કરી શકાય તે અંગે વિચારી રહ્યા છીએ.


શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં 111 ફૂટ સુવર્ણ જડિત શિવજીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમામાં શિવજીના ડાબા હાથમાં મધમાખીઓએ પોતાનું ઘર બનાવ્યું છે. આ મધપૂડા સાથેની શિવજીની પ્રતિમાને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા છે. સામાન્ય રીતે ઉનાળામાં મધમાખીઓ સલામત સ્થળે મધપૂડો બનાવતી હોય છે. આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવામાં મહત્ત્વનો ફાળો આપનાર ધારાસભ્ય યોગેશ પટેલ અને શિવજીના ભક્તોમાં દોડધામ મચી છે. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શિવજીની પ્રતિમામાં શિવજીના જે હાથમાં ત્રિશૂલ છે તે હાથમાં મધમાખીઓએ મધપૂડો બનાવ્યો છે. હવે આ મધપૂડો દૂર કરવા અમે પ્રયાસો હાથ ધર્યા છે. આ મધપૂડાથી પ્રતિમાને કોઈ નુકસાન થશે નહીં. આ મધપૂડો શ્રદ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પર્વ પહેલાં જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું હતું. જો કે પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર