સુરતઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા કોઈપણ વિધ્ન વિના પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષામાં કોઈ ગેરરીતિની ફરિયાદ સામે આવી નથી. પરંતુ ગુજરાતની વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવતાં સુરત ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી દીધી છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં પરીક્ષા કેન્દ્રથી અન્ય કોઈ વ્યક્તિ ઓનલાઇન પ્રશ્ન પત્ર ભરતો જ્યારે આરોપી એક જ CPUથી બે મોનીટર ઓપરેટ કરતા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં મોનીટર ઓપરેટ કરવા સોફ્ટવેરનો ઉપયોગ કરાતો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં સારથી એકેડેમીના માલિકની સંડોવણી સામે આવી છે.
ગેરરીતિમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ
આ મામલે ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના PI ફરિયાદી બન્યા છે. ઈન્દ્રવદન પરમાર, ઓવેશ કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ પરીક્ષા વર્ષ 2022-2021માં યોજાઈ હતી. પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરોમાં લેવાઈ હતી. માત્ર સુરત જ નહીં અમદાવાદ, વડોદરામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતી. બે પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતી આચરવામાં આવી હતી. આ કેસમાં અનિકેત ભટ્ટ અને ભાસ્કર ચૌધરી હજુ વોન્ટેડ છે. તેઓ ઉમેદવારોનો અગાઉથી જ સંપર્ક કરી લેતા હતા. આ ટોળકીએ કયા કયા લાભાર્થીઓનો સંપર્ક કર્યો તેની તપાસ ચાલુ છે.