સુરતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને કાળા વાવટા બતાવાયા, સભા સ્થળે દોડધામ મચતાં સભા વિખરાઇ

સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (12:41 IST)
લિંબાયત સંજય નગર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શિવાજી સ્મારક સમિતિના નેજા હેઠળ ડો. રવીન્દ્ર પાટીલની આગેવાનીમાં સમારોહમાં હાજર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી વક્તવ્ય શરૂ કરે તે પહેલાં જ ભાજપના 20થી વધુ કાર્યકરો કાળા વાવટા લઇને સભા સ્થળે પહોંચીને વિરોધ પ્રદર્શન કરતા ભરતસિંહ સોલંકી બે જ મિનિટમાં વક્તવ્ય પુરૂં કરીને રવાના થઇ ગયા હતા. સાંસદ સી.આર.પાટીલ અને કોર્પોરેટર રવીન્દ્ર પાટીલ વચ્ચે ચાલી રહેલી લડાઇમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે બંને નેતાઓએ શક્તિ પ્રદર્શન કરવા માટે અલગ અલગ રેલી તેમજ જાહેરસભાનુ આયોજન લિંબાયત વિસ્તારમાં કર્યુ હતું. રવીન્દ્ર પાટીલે સંજય નગર ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં જાહેર સભા યોજી હતી. રવીન્દ્ર પાટીલે સ્વાગત પ્રવચન કર્યા બાદ ભરતસિંહ સોલંકી વક્તવ્ય આપવા ઊભા થતાં જ બીજેપીના 20થી કાર્યકરો આવીને કાળા વાવટા બતાવ્યા હતા. સભા સ્થળે દોડધામ મચી જતા સભા વિખરાઇ ગઇ હતી. ભરતસિંહ સોલંકીએ વક્તવ્ય બે મિનિટમાં પુરૂ કરી દીધું હતું.

વેબદુનિયા પર વાંચો