અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભૂવા (ભરવાડ) 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં 'ઓપરેશન મહાદેવ'માં દેશની રક્ષા કાજે શહીદ થયો. વીર જવાનના 20 સપ્ટેમ્બરના રોજ તેમના વતનમાં જ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ શહીદ જવાનનાં દીકરા અને પત્નીને રડતો જોઈને સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. એને પગલે તેઓ કારનો કાફલો લઈને શહીદના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વીર શહીદ મેહુલભાઈ ભરવાડ ના બાળકોને શિક્ષણ અર્થે 21 લાખ રૂપિયાની સહાય દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.
વિજયભાઈ ભરવાડના જણાવ્યા મુજબ તેમણે સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું કે ભાઈ વીર મેહુલભાઈ કાશ્મીરમાં 'ઓપરેશન મહાદેવ' દરમિયાન શહીદ થયા હતા. હવે એ શહીદ થયા ત્યારે સોશિયલ મીડિયામાં જોયું કે એકદમ ભાવુક દૃશ્યો હતાં. એમાં તેમનાં બાળકો રડતાં હતાં, તેમની પત્ની આક્રંદ કરતી હતી. શહીદ જવાનના પત્ની અને દીકરાને રડતો જોઈને સુરતના બિલ્ડર ભાવુક થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક સુરતથી કારનો કાફલો લઈ મદદ માટે શહીદ પરિવારના વતન દોડી ગયા હતા.
સુરતના સેવાભાવી બિલ્ડર વિજયભાઈએ વિચાર્યુ કે જે માણસ દેશ માટે શહીદ થઈ ગયા હોય, એ અમારા સમાજનો હોય કે કોઈપણ સમાજનો હોય, તેમનાં બાળકો વિશે આપણે વિચારવું જોઈએ, અમારા જેવા આગેવાનોએ તો એવો વિચાર કરવો જ પડે. એટલે મારા મનમાં એ વિચાર તરત ઉત્પન્ન થયો કે ભાઈ આનાં બાળકોની આપણે જવાબદારી લેવી જ જોઈએ, કારણ કે જે માણસ દેશ માટે શહીદ થયો હોય તેની જવાબદારી તો સમાજના આગેવાનોએ લઈ લેવી જોઈએ. છોકરાઓ 18 વર્ષના થાય ત્યાં સુધીની એજ્યુકેશનમાં કંઈપણ જવાબદારીની જરૂરિયાત પડે ત્યાં સુધી અમે અમારી ટીમ તૈયાર થઈ એવા તેમને આશ્વાસન આપતા આવ્યા છીએ.