શિવરાજપુર બીચ પર આ લાગુ થયા કડક પ્રતિબંધો, જતા પહેલા જરૂર જાણી લો

બુધવાર, 23 માર્ચ 2022 (19:03 IST)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને સતત બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. વર્ષ 2021-22 માટે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે શિવરાજપુર બીચને સ્થાન મળતા વધુ વિકાસને વેગ મળશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચને બીજા વર્ષે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે અને ગઈકાલે યોજાયેલી ફ્લેગ સેરેમનીમાં ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો.
 
કુદરતના અદભૂત સૌંદર્યનો નજારો જોવા શિવરાજપુર બીચ ખાતે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે. અહીંની સુંદરતા જોઈને જ આંખો ચાર થઈ જાય છે, બ્લુ કલરનું એકદમ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયા કિનારો પ્રવાસીઓ જાણે વિદેશમાં ફરતા હોય તેવી અનુભૂતિ કરાવે છે. ત્યારે આ દરિયાની સુંદરતા અને સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વનો નિર્ણય  લેવામાં આવ્યો છે.
 
દ્વારકાના શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્વારકામાં આવેલો બ્લૂ ફ્લેગ ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત અને રળીયામણો હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવે છે.જેથી સ્વચ્છતાના ભાગરૂપે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે
 
બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સહુથી સ્વચ્છ બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકો લેબલ છે. બ્લુ ફ્લેગ લેબલ મેળવવા પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક કડક માપદંડોમાંથી પસાર થવું પડે છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરોંમેટલ એજ્યુકેશન નામની બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સર્ટીફીકેશન આપવામાં આવે છે. ભારતે આ દિશામાં આગળ પગલું ભરતા બ્લુ ફ્લેગ લેબલ જેવા પોતાના ઇકો લેબલ બીમ્સ પણ તૈયાર કર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર