મુખ્યમંત્રીના બંગલે કોર કમિટીની બેઠક, નાઇટ કર્ફ્યૂનો સમય વધી શકે છે, ઓફિસોમાં 50% કર્મચારીની જ છૂટ મળી શકે

શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (12:49 IST)
ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે.

નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. કોર કમિટીની આ બેઠક બાદ રાજ્ય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે. આ બેઠકમાં વધુ નિયંત્રણો મૂકવા કે નહીં એના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સૌકોઈની નજર નાઇટ કર્ફ્યૂના સમય અને લગ્નમાં મહેમાનોની છૂટ પર છે.

નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ-રેસ્ટોરાં, પાનના ગલ્લાઓ અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરે એવી શક્યતાઓ છે. સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે તેમજ 10 ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવી શકે છે. એની સાથે સાથે ધોરણ 10, 12 અને કોલેજો પણ થોડા દિવસ સુધી બંધ કરવામાં આવી શકે છે.અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તથા હવે આણંદ અને નડિયાદમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ થશે.છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર