વડોદરામાં રખડતા કૂતરાઓનો ત્રાસ, 10 કૂતરાઓએ વૃદ્ધાને હાથ,પગ અને છાતીના ભાગે બચકા ભર્યા

શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (16:53 IST)
રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તેની સાથે રખડતા કૂતરાઓ પણ હવે લોકો માટે મહામુસીબત બન્યાં છે. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા પર 10 જેટલા કૂતરાઓએ હૂમલો કર્યો હતો. કૂતરાઓએ બચકાં ભરીને મહિલાને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં અલકાબેન ભટ્ટ નામના વૃદ્ધ મહિલા અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગરમાં આવ્યાં હતાં. અહીથી તેઓ રાત્રે વડોદરા પરત ફર્યા હતાં. તેઓ જ્યારે પોતાના ઘર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે 10 જેટલા રખડતાં કૂતરાઓ તેમને લપકી ગયાં હતાં અને હાથ પગ તથા છાતીના ભાગે બચકાં ભર્યા હતાં. કૂતરાઓના હૂમલાથી મહિલા લોહીલુહાણ થઈ પડી ગયાં હતાં. આ દરમિયાન એક સ્થાનિક યુવાને તેમને બચાવી લીધા હતાં. જો આ યુવાન ત્યાં ના પહોંચ્યો હોત તો મહિલાનો કૂતરાઓએ જીવ લઈ લીધો હોત.આ ઘટનામાં તાત્કાલિક સ્થાનિક લોકો પણ ભેગા થઈ ગયાં હતાં અને તેમણે અલકાબેનને 108 બોલાવીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતાં. તેમની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં દાખલ કરવા પડ્યા હતાં. લોકોનું કહેવું છે કે, સોસાયટીઓમાં રખડતા કૂતરાં ક્યારે હુમલો કરશે તે કહેવું મુશ્કેલ છે. સોસાયટીઓમાં રખડતા કૂતરાંઓને જોઇ રસ્તો પસાર કરવાનો ડર લાગતો હોય છે. સોસાયટીઓમાં બાળકોને પણ રમવું મુશ્કેલ થઇ ગયું છે.રખડતાં કૂતરાંઓ ઉપર અંકુશ લાવવા માટે તંત્ર કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે છતાં કુતરાઓનો ત્રાસ યથાવત છે. વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ-2014માં કરવામાં આવેલી કૂતરાંઓની ગણતરી પ્રમાણે વડોદરામાં 40 હજાર રખડતા કૂતરાં છે. પ્રતિવર્ષે 2 હજાર જેટલા લોકો કૂતરાંના હુમલાનો ભોગ બને છે. પ્રતિદિન 6 થી 7 લોકો કૂતરાંના હુમલાનો ભોગ બને છે. કોર્પોરેશન દ્વારા વર્ષ-2015થી કૂતરાંના ખસીકરણ માટે રૂપિયા 90 લાખનો ખર્ચ કરે છે. કૂતરાંઓના ખસીકરણ માટે બે એજન્સીઓ હાલ કામ કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર