નોવેલ કોરોના વાયરસના આજે નવા 6 કેસ પોઝીટીવ થયા છે. આમ રાજ્યમાં કુલ 53 કેસ પોઝીટીવ નોંધાયા છે. ડૉ. રવિએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જે નવા છ કેસ પોઝીટીવ થયા છે તેમાં 66 વર્ષના એક વડોદરાના પુરૂષ છે જે યુ.કેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ગાંધીનગરના 81 વર્ષના એક પુરૂષ અને મહેસાણાના 52 વર્ષના એક પુરૂષનો કેસ છે જે લોકલ ટ્રાન્સમિશનના લીધે છે.
એજ રીતે અમદાવાદમાં 70 વર્ષનાં એક પુરૂષનો કેસ છે જે આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદમાં જ એક 45 વર્ષના બહેન અને એક 33 વર્ષના બહેનનો કેસ પણ લોકલ ટ્રાન્સમિશનના પરિણામે નોંધાયો છે. આ સાથે રાજ્યમાં કુલ 53 કેસ પોઝીટીવ થયા છે, જેમાં અમદાવાદમાં 18, સુરતમાં 07, રાજકોટમાં 08, વડોદરામાં 09, ગાંધીનગરમાં 08, ભાવનગરમાં 01 અને મહેસાણામાં 01 કેસનો સમાવેશ થાય છે.
રાજ્યમાં જે 53 કેસ છે જે પૈકી 14 દિવસના કોરોન્ટાઈનમાં રહેલા દર્દીઓના ટેસ્ટિંગ પ્રોટ્રોકોલ મુજબ બે વાર કરવામાં આવ્યા છે તેમાંના ત્રણ કેસના સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જે સારા અને રાહતના સમાચાર છે. સૌ નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. જે લોકડાઉનનો સમયગાળો નિયત કરાયો છે તેનું સંપૂર્ણપણે આપણે પાલન કરવાનું છે. આપણે સૌએ સોશ્યલ ડિસ્ટન્સ એટલે કે સામાજિક અંતર જાળવવું અનિવાર્ય છે. આપણા ઘરમાં પણ વડીલો-વયસ્ક હોય તો તેની સંપૂર્ણ કાળજી રાખીને તેમની સાથે પણ સોશ્યલ ડિસ્ટન્સ રાખી લોકડાઉન પાળીએ. અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન જઈએ એ અત્યંત જરૂરી છે.
ICMR કે જે સર્વોચ્ચ રેગ્યુલેટરી ઓથોરિટી છે જેના પ્રોટ્રોકોલ મુજબ જ કોરોનાના ટેસ્ટ થાય છે. જે મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 993 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી 938 સેમ્પલ નેગેટીવ આવ્યા છે, માત્ર 53 કેસ પોઝીટીવ છે તેમજ બે રીપોર્ટમાં કન્ફર્મેટરી ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં 20,103 નાગરિકોને હોમ કોરોન્ટાઈનમાં રખાયા હતા તેમાં ઘટાડો થયો છે અને હવે 19,340 લોકોને જ હોમ કોરોન્ટાઈન હેઠળ છે જ્યારે સરકારી કોરોન્ટાઈનમાં 657 લોકોને રખાયા છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે 4 કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોવીડ-19ની સ્પેશ્યલ હોસ્પિટલો કાર્યરત થઈ ગઈ છે તેમ જણાવી ડૉ. જયંતિ રવિએ ઉમેર્યું છે કે, આ ચારેય હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હાલ સરકારીમાં 660 અને ખાનગીમાં 1739 એમ કુલ મળી કુલ 2399 વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે.