5 હજાર કરોડનું બેંક કૌભાંડ કરનાર ગુજરાતી ઉદ્યોગપતિ નાઇજિરીયામાં હોવાની આશંકા

સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (12:13 IST)
પાંચ હજાર કરોડનાં બેંક કૌંભાડમાં નાસતો ફરતો ગુજરાત સ્થિત ઉદ્યોગપતિ નિતિન સાંડેસરા દેશ છોડીને ભાગી ગયો હતો અને હાલ તે નાઇજિરીયામાં હોવાની આશંકા છે. ગુજરાત સ્થિત ફાર્મા કંપનીનો ડિરેક્ટરની બેંક કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. ગયા મહિને એવા સમાચાર આવ્યા હતા કે, નિતિન સાંડેસર યુ.એ.ઇમાં છુપાયો છે પણ સીબીઆઇ અને ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટના અધિકારીઓએ એવું જણાવ્યું છે કે, નિતિન યુ.એ.ઇથી નાઇજિરીયા જતો રહ્યો હોવાની આશંકા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, યુ.એ.ઇ દ્વારા નિતિન સાંડેસરાની દુબઇમાં અટકાયત કરવામાં આવી હતી પણ આ સમાચાર ખોટા સાબિત થયા. તેની દુબઇમાં ક્યારેય ધરપકડ થઇ નહોતી. નિતિન સાંડેસરાનાં પરિવારના સભ્યો નાઇજિરીયા ભાગી ગયા હોવાની શંકા છે. સાંડેસરાનો ભાઇ ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરા પણ નાઇજિરીયામાં છુપાયા હોવાની આશંકા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા પાંચ હજાર કરોડના બેંક કૌંભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેકના ડીરેક્ટરો ચેતન સાંડેસરા, દિપ્તિ સાંડેસરા, રાજભુષણ દિક્ષિત, નિતિન સાંડેસરા, વિલાસ જોશી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમન્ત હાથી સામે ગૂનો નોંધ્યો હતો. સાંડેસરા પર એવો આરોપ છે કે, તેમની કંપનીએ બેંકો પાસેથી રૂપિયા પાંચ હજાર કરોડની લોન લીધી હતી અને આ પછી આ કંપની ખોટમાં ગઇ અને નોન-પર્ફોમિંગ એસેટ બની ગઇ. આ કેસમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઇ છે. જેમાં દિલ્હી સ્થિતિ વેપારી ગગન ધવન, આંધ્રા બેંકના પૂર્વ ડિરેક્ટર અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેક લિ. ના ડાયરેક્ટર રાજભુષણ દિક્ષિતની ધરપકડ કરવામાં આવી હતી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર