રાજ્યમાં વૉક-ઈન વેક્સિનેશન પ્રારંભ, વિજય રૂપાણી અને અમિત શાહે વેક્સીનેશન સેન્ટરની લીધી મુલાકાત
સોમવાર, 21 જૂન 2021 (12:40 IST)
કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આજથી એટલે કે તા. 21મી જૂનને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે રાજ્યમાં વોક-ઇન વેક્સીનેશનના પ્રારંભની સાથે જ વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે આવેલા વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે બોડકદેવ, રૂપાલ, કોલાવડના વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લઇને નિરિક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન (Vaccination) મહાઅભિયાનનું આયોજન કરાયું છે.
33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૅક્સિન ઉત્સવમાં ભાગ લેશે.
મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. 18 થી 44 વર્ષની વયજૂથની વ્યક્તિઓ હવેથી વૉક-ઈન વેક્સિનેશન લઇ શકશે. વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે.
વ્યાપક અને સમયબદ્ધ વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યાપક અને સમયબદ્ધ વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.
18 થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એકવીસમી જૂન થી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.
ગુજરાત વેક્સિનેશનમાં અગ્રીમ હરોળમાં છે. તા. 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 44 થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના સામે લડવું હશે તો વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતો અને તજજ્ઞો કોરોનાના ત્રીજા વેવની સંભાવના જોઈ રહ્યા છે ત્યારે આપણે વધુ ને વધુ લોકોને સુરક્ષિત અને સલામત કરી શકીએ એ જ આપણું લક્ષ્ય છે. અને એ માટે કોરોનાની વેક્સિન સિવાય બીજો કોઈ ઉપાય નથી.
મંત્રી આર.સી.ફળદુ જામનગરના વેક્સિનેશનસેન્ટરોની મુલાકાત લેશે. જ્યારે મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા ધોળકાની સરસ્વતી સ્કૂલના વેક્સિનેશન સેન્ટરમાં ઉપસ્થિત રહેશે. કૌશિકભાઈ પટેલ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં શાંતિનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉજવણીમાં ભાગ લેશે.
મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા હેલ્થ સબ સેન્ટરમાં હાજરી આપશે અને પછી તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ ઉપસ્થિત રહેશે. મંત્રી જયેશભાઇ રાદડીયા દેવભૂમિ દ્વારકા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ, દ્વારકામાં ઉજવણીમાં જોડાશે. મંત્રી દિલીપભાઈ ઠાકોર પાટણ જિલ્લાના હારિજમાં શાળા નંબર- 2 ના વેક્સિનેશન સેન્ટરમાં હાજરી આપશે.
મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લાના બારડોલીમાં ઉમરાખ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહેશે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ સી.એચ.સી. સેન્ટર ખાતે ઉજવણીમાં ભાગ લેશે. મંત્રી જવાહરભાઈ ચાવડા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સરદારનગર પી.એચ.સી.માં ઉપસ્થિત રહેશે. મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રછવા પી.એચ.સી.માં હાજરી આપશે અને દાહોદ અર્બન હૉસ્પિટલ ખાતે પણ ઉપસ્થિત રહેશે.
જ્યારે મંત્રી જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લાના હાલોલ વેક્સિનેશન સેન્ટરમાં વેક્સિન ઉત્સવમાં ભાગ લેશે. મંત્રી વાસણભાઇ આહિર કચ્છમાં ભુજ તાલુકાના ધાણોટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજરી આપશે. મંત્રી રમણભાઈ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઘોડિયાડાના વેક્સિનેશન સેન્ટરમાં હાજરી આપશે.
મંત્રી કુમારભાઈ કાનાણી સુરત જિલ્લાના સરથાણામાં કોમ્યુનિટી હોલ ખાતે ઉપસ્થિત રહેશે. મંત્રી યોગેશભાઈ પટેલ વડોદરાના માંજલપુરમાં આત્મીય ધામ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વેક્સિનેશન સેન્ટરમાં હાજરી આપશે, જ્યારે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર ફિઝીયોથેરાપી કોલેજના વૅક્સિનેશન સેન્ટરમાં ઉજવણીમાં ભાગ લેશે.