ગુજરાતથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે એસ.ટી બસ સેવા શરુ થશે

મંગળવાર, 15 જૂન 2021 (20:35 IST)
સમગ્ર દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. પ્રથમ લહેરમાં જ દેશમાં લૉકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. પરંતુ અનલૉકની પ્રક્રિયામાં ધંધા રોજગાર અને પરિવહનને ફરી વેગ મળ્યો હતો. પરંતુ કોરોનાની બીજી લહેર શરુ થતાં જ આંતરરાજ્ય પરિવહન બંધ કરી દેવામાં આવ્યું હતું અને દેશનાં અનેક શહેરો તથા ગામડાઓમાં ફરીવાર લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. હવે કોરોનાની બીજી લહેર પણ કાબુમાં આવતાં જ રાજ્યનાં માર્ગ અને પરિવહન વિભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે દોડતી એસ.ટી બસ સેવાને ફરીવાર શરુ કરવાનો નિર્ણય લીધો છે.

કોરોનાની બીજી લહેર શરુ થતાં જ ગુજરાતમાંથી આંતરરાજ્ય પ્રવાસ કરનારા મુસાફરોની માંગણીને લઈને એસ.ટી વિભાગ દ્વારા 7મી એપ્રિલથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા 10 મેના રોજ રાજસ્થાનમાં જતી બસોને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નિયંત્રણો હળવા થતાં જ રાજ્યમાંથી એસ.ટી બસો દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી વિભાગે વલસાડ, સુરત, ભરુચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, ગોધરા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ભુજ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને જામનગર વિભાગને આ માટે સૂચના પણ આપી દીધી છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે STની નિગમની ટ્રીપોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માર્ચ 2020 પછી આજ દિન સુધી સરકારની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત સંચાલન હાથ ધરવાને કારણે નિગમની આવકમાં સૌથી મોટું નુકસાન થયું છે. સામાન્ય સંજોગોમાં ST નિગમની 44 હજાર ટ્રીપો ચાલુ હતી. જે હાલમાં 12 હજાર ટ્રીપો જ ચાલુ કરવામાં આવી છે. હાલના સમયમાં ડીઝલના પણ ભાવ વધ્યા છે. જેની નિગમ ખોટ કરી રહ્યું છે. આ ખોટની સીધી અસર કર્મચારીઓની માનસિક સ્થિતિ પર થઈ છે. વર્ષ 2021ના એપ્રિલ માસમાં 75 ટકા અને 50 ટકા સીટીંગ કેપેસીટી મુજબ સંચાલન કરાતા અંદાજે 100 રૂપિયાનું નુકસાન નિગમને થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર