ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડે ભારતને એશિયાડનો ગોલ્ડ અપાવ્યો

શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (11:56 IST)
ગુજરાતના ડાંગની એથ્લીટ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડે જકાર્તામાં ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચતાં ભારતને મહિલાઓની ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે સરિતાએ એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતી ખેલાડી તરીકેની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. 
સરિતા સહિતની ભારતીય મહિલા ટીમની ગોલ્ડન સફળતાની સાથે સાથે પુરુષોની ૧,૫૦૦ મીટરની દોડમાં ભારતને જીન્સન જોન્સને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે એશિયાડમાં ભારતના કુલ ૧૩ ગોલ્ડ મેડલ થઈ ગયા છે. જ્યારે એથ્લેટિક્સમાં ભારતે ૭ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને બે બ્રોન્ઝની સાથે કુલ ૧૯ મેડલ્સ જીતીને એશિયાડમાં ૧૯૫૧ પછીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આજે એશિયાડમાં એથ્લેટિક્સનો આખરી દિવસ હતો. 
મહિલાઓની ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં ભારતને ગોલ્ડ સફળતા અપાવનારી ટીમમાં સરિતાની સાથે હિમા દાસ, પૂવામ્મા અને વિસ્મયા પણ સામેલ હતી. જ્યારે ભારતની પુરુષ ટીમે ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની સીમા એન્ટીલે ચક્ર ફેંકમાં અને પી.યુ. ચિત્રાએ મહિલાઓની ૧,૫૦૦ મીટરની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
એથ્લેટ્કિસમાં સૌથી વધુ મેડલ જીતવામાં ચીન ૧૨ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સાથે ૩૩ મેડલ્સ સાથે પ્રથમ ક્રમે રહ્યું હતુ. જ્યારે બહેરિને ૧૨ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૭ બ્રોન્ઝ સાથે ૨૫ મેડલ્સ જીત્યા હતા. જ્યારે ભારત ૭ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે કુલ ૧૯ મેડલ્સ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતુ. 
એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતે આ વખતની જેમ ૧૯૭૮ અને ૨૦૦૨માં સાત ગોલ્ડ જીત્યા હતા. જોકે તે વખત એશિયાડ એથ્લેટિક્સમાં ભારતના કુલ ૧૭-૧૭ મેડલ થયા હતા. જ્યારે આ વખતે ભારતના કુલ મેડલ્સ ૧૯ થઈ ગયા છે. ભારતે ૧૯૫૧ના સૌપ્રથમ એશિયાડમાં એથ્લેટિક્સમાં ૧૦ ગોલ્ડ સાથે ૩૧ મેડલ્સ જીત્યા હતા. ઈ.સ.૧૯૮૨ના એશિયાડમાં ભારતે એથ્લેટિક્સમાં ૨૦ મેડલ્સ જીત્યા હતા, પણ તેમાં ગોલ્ડ માત્ર બે જ હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર