ઓમિક્રોનના ખતરાને પહોંચી વળવા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસીયુ વોર્ડ તૈયાર

બુધવાર, 8 ડિસેમ્બર 2021 (14:14 IST)
વિશ્વભરમાં હાલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો તોળાઇ રહ્યો છે. ઓમિક્રોનના આ ખતરાને પહોંચી વળવા મેડીકલ કોલેજ સંલગ્ન જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ આઇસીયુ વોર્ડ બનાવાયો છે. ૧૬ બેડ સાથેના આ વોર્ડમાં જરૂરી તમામ તબીબી સુવિધા ઉપલબ્ધ છે.
 
મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડો.સુશીલકુમારના જણાવ્યાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ ઓમિક્રોનના ખતરાને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે. જરૂર પડ્યે ઓમિક્રોન માટે બેડની સંખ્યા પણ વધારી શકાશે. ઓમિક્રોનના ખતરા વચ્ચે હાલ કોરોનામાં લોકો સાવચેત રહે તે ખૂબ જરૂરી છે. લોકો ભીડથી દૂર રહે, માસ્ક પહેરે તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે કોરોનાથી બચવાનો સરળ ઉપાય છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ૧૦૮૧ ઓક્સિજન બેડ અને ૩૪૮ વેન્ટીલેટરની સુવિધા છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેરના સામના માટે પાંચ માળ ખાસ કોરોના માટે તૈયાર કરાયા છે. ઉપરાંત પર મિનિટ ૨૫૦૦ કિલો ઓક્સિજન ઉત્પન્ન થાય તેવા ત્રણ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર છે. ડો.સુશીલ કુમારના જણાવ્યાનુસાર, ઓમિક્રોનના ખતરા સામે સિવિલ હોસ્પિટલ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. અહિં દાખલ થતા દર્દીઓને પૂરતી સારવાર મળશે. હાલ જૂનાગઢ સિવિલમાં ઓમિક્રોનનો એક પણ દર્દી દાખલ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર