સોની પરિવારના આપઘાતમાં થયો મોટો ખુલાસો, જ્યોતિષિઓએ ખંખેર્યા લાખો રૂપિયા, 4 પાનાની મળી સુસાઇડ નોટ

શુક્રવાર, 5 માર્ચ 2021 (11:09 IST)
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવાર આર્થિક સંકડામણમાં મુકાઇ જતાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 3 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા હતા. જ્યારે માતા-પુત્ર અને પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે મૃતક નરેન્દ્રભાઇ સોનીના પુત્ર ભાવીનનુ હોસ્પિટલમાં નિવેદન લેતા ચોંકવનારી વિગતો સામે આવી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોની અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં આવી ગયો હતો. કોરોનાકાળમાં પરિવારનો નાનો બિઝનેસ હતો જે ખતમ થઇ ગયો હતો. આર્થિક તંગીના લીધે પરિવારનું ભરષપોષણ કરવું મુશ્કેલ બન્યું હતું.  
 
આવા કપરા સમયમાં નરેન્દ્રભાઇ સોનીએ પોતાનું મકાન રૂ. 40 લાખમાં વેચવા માટે કાઢ્યું હતુ. પરંતુ મકાન વેચાતું ન હોવાથી તેમણે એક બાદ એક જ્યોતિષીનો સંપર્ક સાધવાનુ શરૂ કર્યું હતુ. જેમાં વાસ્તુ દોષ તેમજ જુદા જુદા વિધ્નો દુર કરવાના બહાને એક વર્ષમાં 9 જ્યોતિષિઓએ નરેન્દ્રભાઇ પાસેથી રૂ. 32 લાખ પડાવી લીધા હતા.
 
પહેલાંથી આર્થિક રીતે પડી ભાગેલા પરિવાર પાસેથી 32 લાખ જેટલી માતબાર રકમ પડાવી લેવામાં પરિવારનો બોજો વધી ગયો જેથી પરિવાર આપધાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારના તમામ સભ્યો પોતાની જાતે કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવેલી ઝેરી દવા ગટગટાવી હતી, પરંતુ 4 વર્ષીય પૌત્ર પાર્થને તેના દાદા (નરેન્દ્રભાઇ)એ દવા પીવડાવી હોવાનુ ભાવીન સોનીએ પોલીસને જણાવ્યું છે.
 
વડોદરામાં સામૂહિક આપઘાત કરતા પહેલા પરિવારે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. પોલીસે હવે આ સ્યુસાઇડ નોટ કબજે કરી છે. કુલ 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી આપી છે. પોલીસે તેના માટે એફએસએલની મદદ પણ લીધી છે. 
 
જેથી સમા પોલીસે  ભાવીન સોનીના નિવેદનના આધારે મૃતક નરેન્દ્રભાઇ સોની સામે પૌત્રની હત્યાનો ગુનો નોંધ્યો છે. તથા રૂ. 32 લાખ ખંખેરી લેનાર 9 જ્યોતિષો વિરૂદ્ધ પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધોખોળ હાથ ધરી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર