ઝઘડીયાના ફુલવાડીમાં ઘરમાં સૂતેલા પુત્રને સાપ કરડ્યો, પુત્રની ચિંતામાં માતાનું એટેકથી મોત

બુધવાર, 27 જુલાઈ 2022 (11:00 IST)
ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં સુતેલા પુત્રને સર્પે દંશ દીધા બાદ આઘાતમાં આવી ગયેલી માતાનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે જયારે પુત્ર ભરૂચ સિવિલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયો છે.ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવવા પરપ્રાંતમાંથી આવેલા અનેક પરિવારો આવતાં હોય છે અને તેઓ આસપાસના ગામોમાં ભાડે મકાન રાખી રહેતાં હોય છે.

ઝઘડીયાના ફુલવાડી ગામમાં શંકર કુરવે તેમના પત્ની અને પુત્ર સુરજ સાથે રહેતાં હતાં. ગતરાત્રિના સમયે પરિવારના સભ્યો તેમના ઘરમાં મીઠી નીંદર માણી રહયાં હતાં.રાત્રિના સમયે શંકર કુરવેના પુત્ર સુરજને સર્પે અથવા અન્ય કોઇ જાનવરે દંશ માર્યો હતો. તેને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો પણ તેની હાલત નાજુક હોવાથી સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં પુત્રને જોઇ તેની માતાની તબિયત અચાનક લથડી હતી.પોતાના વ્હાલસોયા દિકરાને મરણ પથારીએ જોઇને માતા અચાનક ઢળી પડી હતી. તબીબોએ દોડી આવી તેની તપાસ કરતાં તેનું મૃત્યુ થઇ ચુકયું હતું. પુત્રની ચિંતામાં માતાને અચાનક હદયરોગનો હુમલો આવ્યો હોવાનું અનુમાન છે. મૃતક માતાને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે જ્યારે સંતાન હજુ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.ચોમાસાની શરૂઆત થતાંની સાથે સરિસૃપોનો ખતરો વધી ગયો છે. વરસાદના કારણે દરોમાં પાણી ભરાવાથી સરીસૃપો બહાર આવી ગયાં છે. ઝઘડીયા તથા આસપાસ જંગલ વિસ્તાર હોવાથી ઝેરી સરીસૃપો અને જંગલી પ્રાણીઓનો ખતરો વધારે રહે છે. કોઇ પણ પ્રકારના ઘરમાં રહેતાં હોય પણ લોકોએ સરિસૃપોથી બચવા માટે પૂરતા પગલાં ભરવા જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર