શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી-સેક્રેટરી પ્રવીણભાઈ લહેરીના માર્ગદર્શન હેઠળ ભક્તો સોશ્યલ મીડિયા પ્રવાહ દ્વારા શ્રી સોમનાથ તીર્થધામ સાથે સંપર્કમાં આવે. તેમજ પ્રચાર અને પ્રસારને પ્રાધાન્ય મળે તેવા આશય સાથે વર્ષ-2015થી સોશ્યલ મીડિયામાં દર્શન-આરતી-ઉત્સવો-મહોત્સવો અપલોડ કરવાની શુભ શરુઆત કરવામાં આવેલ.
તબક્કાવાર આ કાર્યને દેશ-વિદેશમાં વસતા શિવભક્તોનો એક અનોખો સહયોગ પ્રાપ્ત થયો, આ સંખ્યામાં ઉતરોતર નોંધપાત્ર વધારો થતો જઇ રહ્યો છે. શ્રાવણમાં શરુ કરેલ સોશ્યલ મીડીયા દર્શન સેવા સો-હજાર-લાખ સુધી પહોંચ્યા બાદ હવે કરોડ થયેલી છે.
ફેસબુક પર વર્ષ 2018માં 9.98 કરોડનું જોડાણ હતું. જે 2019માં 14.74 કરોડ ભક્તોએ વર્ષ પર્યન્ત સોમનાથ મહાદેવના દર્શન-લાઈવ ઇવેન્ટ-આરતી-ઉત્સવ મહોત્સવ વગેરે નિહાળી સોશ્યલ મીડીયાથી સોમનાથ સાથે જોડાણ સ્થાપીત કરેલ છે.
આ દર્શકોમાં ભારત સહિત અમેરિકા, નેપાળ-આરબ-અમીરાત, ફિલિપાઈન્સ, કુવેત, સા. અરેબીયા, કેન્યા, ઓમાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સા.આફ્રિકા, હોંગકોંગ, રશીયા, ચાઈના, ભુટાન, ફ્રાન્સ, જાપાન, ઇન્ડોનેશિયા સહિત 46 દેશોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે વિશ્વસ્તરે ખુબ પ્રચલિત ટવીટર જેમના પર દેશ વિદેશના લોકો ખુબ જ આગવી છાપ ધરાવે છે. ટવીટર પર વર્ષ 2018માં 85 લાખ જેટલા ભક્તોનું જોડાણ હતું. જે વર્ષ 2019માં 1.99 કરોડ ભક્તોએ દર્શન-આરતી સહિતનો લાભ લીધો હતો. સાથે જ ઇન્સ્ટાગ્રામમાં વર્ષ-2019માં 1.34 કરોડ ભક્તોએ દર્શન-આરતીનો લાભ લીધેલ હતો.