શહેરમાં જર્જરિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. પહેલા એક સામાન્ય ભાગ પડ્યો ત્યાર બાદ આખી ગેલેરી તૂટી પડી હતી. લોકોએ શરૂઆતમાં ધ્યાન નહોતુ આપ્યું પણ પાછળથી લોકોમાં દોડાદોડ થઈ ગઈ હતી.ઉપરના માળે રહેતા રહીશોના ઘરની બહાર જ નીકળવાનો રસ્તો બંધ થઈ જતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાછળના ભાગેથી બારીમાંથી લોકોને રેસ્ક્યૂ કરી તમામના જીવ બચાવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે 30 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. 
	 
	ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
	અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર બગીચા પાસે 40 વર્ષ જૂના મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ માળના સ્લમ ક્વાર્ટર્સમાં 15થી 20 જેટલા પરિવારો રહેતા હતા. આજે વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ બીજા માળની ગેલેરીનો એક ભાગ થોડો તૂટ્યો હતો. થોડો અવાજ આવતા લોકો બહાર આવ્યા હતા. પરંતુ ખાસ કંઈ ઘટના બની ન હોવાનું માનીને તેઓએ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ 10-15 મિનિટ બાદ અચાનક જ બીજા ને ત્રીજા માળની ગેલેરીનો આખો ભાગ તૂટી પડ્યો હતો. ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકો ઘરની બહાર જ નીકળી ન શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા મણિનગર અને જશોદાનગર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
	ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બીજા અને ત્રીજા માળે રહેતા રહીશોને પાછળના ભાગે બારીનો ભાગ તોડી ઘરોમાંથી બહાર રેસ્ક્યૂ કર્યા હતા. નાનાં બાળકો અને વૃદ્ધો સહિત કુલ 30 જેટલા લોકોને સીડી વડે ફાયરબ્રિગેડ ટીમ અને પોલીસની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા હાલમાં ઉત્તમનગર સ્લમ ક્વાર્ટર્સને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ પણ રહીશોને નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ તેઓએ મકાનો ખાલી કર્યા નહોતાં.