ટોસિલિઝુમેબનું વિતરણ સરકાર પાસે છે તો તબીબો કઇ રીતે જવાબદાર?

શનિવાર, 11 જુલાઈ 2020 (17:44 IST)
કોરોના વાયરસના દર્દીની સારવારમાં રામબાણ કહી શકાય તેવા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો ખાનગી હોસ્પિટલના ડોક્ટરો બેફામ ઉપયોગ કરે છે તેવા આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને આ નિવેદન મામલે આરોગ્ય સચિવની માફીની માગ કરી છે અને સાથે ઉમેર્યું છે કે, 'ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની સંપૂર્ણ વિતરણ વ્યવસ્થા સરકાર પાસે છે તો ખાનગી તબીબોને કઇ રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું છે કે, 'કોરોનાની મહામારીમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન સરકાર સાથે ખભે ખભા મિલાવીને અનેક મહિનાઓથી કાર્યરત્ છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કેટલાક તબીબોના મૃત્યુ પણ થયા છે.

સુરત ખાતે ૯ જુલાઇના ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા બજારના મુદ્દાની પત્રકાર પરિષદમાં રાજ્યના આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ તબીબો પર ઈન્જેક્શનના દુરુપયોગનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમના આ પ્રકારના નિવેદનથી તબીબી આલમમાં ખૂબ જ રોષ છે. ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની સંપૂર્ણ વિતરણ વ્યવસ્થા સરકાર પાસે છે તો ખાનગી તબીબો કઇ રીતે જવાબદાર? અમે સ્પષ્ટ માગણી કરી રહ્યા છીએ કે આ બાબત આરોગ્ય સચિવ પુરવાર કરે અને ના કરી શકે તો તેમનું નિવેદન પાછું ખેંચી દિલગીરી વ્યક્ત કરે તેવી અમે માગણી કરીએ છીએ જેથી ભવિષ્યમાં પણ મેડિકલ એસોસિયેશન સાથે સરકારનો સમન્વય જળવાઇ રહે. અમારી માગણી નહીં સંતોષવામાં આવે તો મેડિકલ એસોસિયેશનને પ્રતિકાત્મક આંદોલન કરવાની ફરજ પડશે.આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સુરત ખાતે ગુરુવારે પત્રકાર પરિષદમાં એમ પણ કહ્યું હતું કે, 'કલેક્ટરે એક કમિટિ બનાવી છે, જે ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આપતા પહેલા તપાસ કરશે. દર્દીના સ્વાસ્થ્યને આધારે આ ઈન્જેક્શન આપવું કે કેમ તેનો નિર્ણય આ સમિતિ જ લેશે. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં કોરોનાના દર્દીઓ માટેના ટોસિલિઝુમેબ-રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત વર્તાઇ રહી છે. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એ વાતનો એકરાર કર્યો હતો કે રાજ્યના આરોગ્ય વિભાગે સ્વિટ્ઝર્લેન્ડની રોશ ફાર્મા કંપની પાસે કરેલી માગણી ૫ હજાર ઈન્જેક્શનની સામે માત્ર ૨૫૩૭ ઈન્જેક્શન મળ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર