સાબરમતી રિવરફ્રન્ટથી 'સી-પ્લેન'નો પ્રોજેક્ટ સામાન્ય પ્રજા માટે શક્ય નથી

સોમવાર, 11 જૂન 2018 (12:02 IST)
સાબરમતી રીવરફ્રન્ટ પરથી સી પ્લેન શરૃ કરવાની ગુજરાત સરકારની મહેચ્છા હતી. આ જ સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સી પ્લેન' માં ઉડાન ભરી હતી. પરંતુ હવે સમગ્ર વાત પર પૂર્ણવિરામ મૂકાઇ ચૂક્યું છે. તેનું કારણ એ છે કે ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન (ડીજીસીએ) દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રિવરફ્રન્ટથી સી પ્લેન આમ જનતા માટે ઉડાવી શકાય તેની સંભાવના નથી. આ અંગે ગુજરાતના સિવીલ એવિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, 'ધારાધોરણ અનુસાર ડીજીસીએ દ્વારા આ પસંદગી કરવામાં આવે છે. સલામતી અને સુરક્ષાના ભાગરૃપે રીવરફ્રન્ટની સી પ્લેનના રૃટ માટે પસંદગી કરતા અગાઉ ખૂબ જ તકેદારી રાખવી જરૃરી છે. વડાપ્રધાન કે વીવીઆઇપી હોય તો એર ટ્રાફિક પર કન્ટ્રોલ રાખી શકાય એમ છે. પરંતુ રીવરફ્રન્ટમાં સી પ્લેન અંગે અનેક ટેક્નિકલ પાસા જાણવા પડે છે. જરૃર પડે તો અમદાવાદ એરપોર્ટથી પણ સી પ્લેન ઉડાવી જ શકાય છે.' બીજી તરફ સર્વે બાદ કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયના ટેક્નિકલ સલાહકારે જણાવ્યું કે, 'અમને ગુજરાતમાં જ્યાં પણ સી પ્લેન અંગે સર્વે હાથ ધરવાનું કહેવામાં આવ્યું હતું તેમ અમે તે સ્થળની મુલાકાત લીધી છે. અમને સાબરમતી રીવરફ્રન્ટના નામની ભલામણ પણ કરવામાં આવી નહોતી. ' ગત વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી અંબાજી પાસેના ધરોઇ ડેમ સુધી સી પ્લેન દ્વારા મુસાફરી કરી હતી. હવે તેના પાંચ મહિના કરતા વધુ સમય બાદ ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન (ડીજીસીએ) દ્વારા ગુજરાતમાં ક્યાં સી પ્લેન શરૃ કરી શકાય છે તેના વિકલ્પ ચકાસવાનું શરૃ કરાયું છે. સી પ્લેન માટે ગુજરાતમાં જે વિકલ્પો પસંદ કરાયા છે તેમાં ધરોઇ ડેમ, દ્વારકા, સોમનાથ, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેના પર ડીજીસીએની ટીમ દ્વારા સર્વે પર હાથ ધરાયો હતો. હવે આશ્ચર્યની વાત એ છે કે ડીજીસીએની ટીમ દ્વારા ગુજરાતમાં જ્યાં આ સર્વે હાથ ધરાયો તેમાં સાબરમતી રીવરફ્રન્ટનું નામ પણ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર