બાળકોના મોત મામલે જવાબ આપવાની જગ્યાએ રૂપાણીએ ચાલતી પકડી

સોમવાર, 6 જાન્યુઆરી 2020 (12:37 IST)
અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલોમાં નવજાત બાળકોનાં મોત અંગે સીએમ વિજય રૂપાણીને મીડિયા દ્વારા સવાલ પૂછાયો ત્યારે જવાબ આપવાના બદલે તેમણે ત્યાથી ચાલતી પકડી હતી. જેને લઇને હવે વિપક્ષનાં નેતા શક્તિસિંહ ગોહીલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પર નિશાનો સાંધ્યો છે. તાજેતરમાં દેશમાં બાળકોનાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. હાલમાં જ રાજસ્થાનમાં બાળકોનાં મોતનો આંકડો 100 ને પણ પાર કરી ગયો હતો. ત્યા હવે ગુજરાતમાં પણ આ સમસ્યા રાજ્યનાં બે મોટા શહેરોમાં જોવા મળી રહી છે. જ્યા અમદાવાદમાં બાળકોની મોતનો આંકડો 85 સુધી પહોચ્યો છે તો બીજી તરફ રાજકોટ શહેરમાં આ આંકડો વધુ ભયાનક 134 પર પહોચી ગયો છે. આ મુદ્દે જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે આ સવાલનો જવાબ આપવો તો જરૂરી ન જ સમજ્યો અને ત્યાંથી ચાલતી પકડી લીધી હતી. જેને લઇને હવે શક્તિસિંહ ગોહીલે પ્રતિક્રિયા આપતા સીએમ રૂપાણીને બાનમાં લીધા છે. શક્તિસિંહ ગોહીલે કહ્યુ કે, રાજકોટ મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે. ત્યારે અહી નવજાત બાળકોનાં મોત થયા હોય અને મુખ્યમંત્રી કેમેરાની સામે જવાબ આપવાનુ છોડીને ભાગે તે બરાબર નથી. હુ પણ આરોગ્ય વિભાગનો મંત્રી રહ્યો હતો. જ્યારે સૂરતમાં પ્લેગ ફેલાયો હતો ત્યારે હુ કેમ્પ કરીને બેઠો હતો. ત્યારે મીડીયાનાં સવાલો સામે આવતા હતા જેનો અમે સામનો કરતા હતા. તેમણે ભાર પૂર્વક કહ્યુ કે, જવાબદારી સ્વીકારવી પડે. તેમણે વધુમાં કહ્યુ કે, જે ભાજપનું નેતૃત્વ રાષ્ટ્રીય કક્ષાએથી રાજકોટમાં થયેલા મૃત્યુ કરતા ઓછા મૃત્યુ બાદ પણ રાજસ્થાનનાં મુખ્યમંત્રીનું રાજીનામું માંગતા હતા તે હવે ગુજરાતનાં મુખ્યમંત્રીનું શું કરશે મારો સવાલ માત્ર એટલો જ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર