આ પ્રોજેક્ટ અંતર્ગત છાબ તળાવના બ્યુટીફિક્શન માટે કુલ ૪ ગાર્ડનનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં જોગિંગ ટ્રેક, બાજુમાં પગપાળા ચાલવા માટે પાકા રસ્તા, સાયકલ ટ્રેક, લેન્ડસ્કેપ ટ્રી એવન્યુ ગાર્ડન, ગ્રીન સ્પેસ સહિત સ્થાનિકો માટે વ્યવસાયની સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ સતત જીવંત બની રહેશે. છાબ તળાવ એ સમગ્ર દાહોદ શહેરનું હાર્દ સમું તળાવ છે. જેને લઇને દાહોદવાસીઓ ગૌરવ અનુભવે છે. આ તળાવના નવીનીકરણ પ્રોજેક્ટના કારણે તળાવની સ્વચ્છતા અને વાયુ મિશ્રણ દ્વારા પાણીની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો આવશે. વોટર સ્પોર્ટ્સ અને જાહેર ગ્રીન સ્પેસને પણ પ્રોત્સાહન મળશે. અહીં મનોરંજનની સાથોસાથ જાહેર સુવિધાઓ, બગીચાઓ, બોટિંગ સુવિધા, મુલાકાતીઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. ઉપરાંત ૨.૫ કિમી લાંબો પથ - વે, સાયકલિંગ, રૂફ ટોપ સોલાર, એમ્ફિથિયેટર વગેરે જેવી વિવિધ વિશેષતાઓ કે જે પ્રકૃતિદત્ત છે એ દરેક આ બ્યુટીફિકેશનમાં સમાવી લેવામાં આવ્યું છે.