જસદણની પેટાચૂંટણીમા રૂપાણીના પત્નીએ પણ પ્રચાર કરવો પડે એ તો હદ વિનાની વાત છે
મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (12:25 IST)
ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટેનો આજે છેલ્લો દિવસ છે. આ બેઠક જીતવા માટે ભાજપ-કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પણ ભાજપના ઉમેદવાર કુંવરજી માટે છેલ્લી ઘડીનો પ્રચાર શરૂ કર્યો છે. ભાજપની મહિલા કાર્યકરો સાથે અંજલીબેન ઘરે ઘરે જઈને ભાજપને મત આપવાની અપીલ કરી રહ્યા છે. 20મી ડિસેમ્બરે મતદાન થવાનું હોવાથી આજે સાંજે પાંચ વાગ્યા સુધી જ પ્રચાર કરી શકાશે ત્યારબાદ જાહેરસભા કે રેલી કરી શકાતી નથી. જેને ધ્યાનમાં રાખીને આજે સવારે જસદણમાંથી વિશાળ રેલી કાઢી છે. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા પણ જસદણમાં ધામા નાખીને બેઠા છે બીજી બાજુ કોંગ્રેસે ભાજપને પછડાટ આપવા માટે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એટલે કે આજે બપોરે બે વાગે જાહેર સભા યોજશે જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિધ્ધુ લોકોને સંબોધશે તેઓ ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન મોદી પર આકરી ટીકા કરવા માટે જાણીતા છે. આ સભામાં તેમની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ ગુજરાતના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા વગેરે પણ છેલ્લી ઘડીનો પ્રચાર કરવા સાથે જોડાવાના છે. જસદણની બેઠક માટે કુલ બે લાખ 32 હજારથી વધુ મતદારો છે જેમાં સવા લાખ જેટલા પુરુષ મતદારો અને એક લાખ દસ હજાર જેટલા મહિલા મતદારો છે. આ બેઠક પર કોળી સમુદાયનું પ્રભુત્વ છે ત્યારબાદ પાટીદાર સમુદાયના મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી જસદણની પેટા ચૂંટણીની મતગણતરી ૩૦મી ડિસેમ્બરે થશે અને આ જ દિવસે બપોર સુધીમાં પરિણામ પણ મળી જશે.