ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં મોટો છબરડોઃઆગલા દિવસની પરીક્ષાના પેપરો મોકલી દેતા હોબાળો

બુધવાર, 5 ડિસેમ્બર 2018 (12:46 IST)
ગુજરાત યુનિવર્સિટી માટે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી જાણે કે મજાક બની ગઈ હોઈ કોઈ પણ દરકાર રાખ્યા વગર કે પરીક્ષાને ગંભીરતાથી લીધા વગર એક પછી એક છબરડાઓ સામે આવ્યા જ કરે છે.ગઈકાલની બીએની પરીક્ષામાં છબરડા બાદ આજે પણ વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો હતો.આજે બી.એ સેમેસ્ટર ૧ની પરીક્ષામાં આવતીકાલે ૫મીએ જે વિષયની પરીક્ષા હતી તે વિષયના પેપરો સેન્ટરો પર મોકલી દેવાયા હતા.વિદ્યાર્થીઓના હાથમા જ્યારે પેપરો આવ્યા ત્યારે મોટો હોબાળો થયો હતો અને યુનિ.એ મેઈલ કરીને ફરીથી પેપર મોકલી ઝેરોક્ષ કરી આપવા પડતા એકથી દોઢ કલાક મોડી પરીક્ષા શરૃ થઈ હતી અને સાંજે ૭ વાગે પરીક્ષા પુરી થતા વિદ્યાર્થીઓ ભારે હેરાન થયા હતા.
ગુજરાત યુનિવર્સિટીની હાલ ચાલી રહેલી યુજી-પીજી સેમેસ્ટર ૧-૩ની પરીક્ષામાં આજે બી.એ સેમેસ્ટર-૧ના રેગ્યુલર અને એક્સટર્લના સાયકોલોજીના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓની ફરિયાદ મુજબ સાયકોલોજીમાં આજે વિષય કોડ ૧૦૧ મુજબ મૂળભૂત મનોવૈજ્ઞાાનિક પ્રક્રિયાનું પેપર હતુ.જેના બદલે આવતીકાલે ૫મીએ જે સાયકોલોજી એન્ડ ઈફેક્ટિવ બીહેવિયર વિષયની પરીક્ષા હતી તેના પેપરો આજે સેન્ટરો પર મોકલી દેવાયા હતા.
સાયકોલોજીના ૧૦૨ વિષય કોડની પરીક્ષા હતી અને તે વિષય કોડના પ્રશ્નો સાથેનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપી દેવાયુ હતું.યુનિવર્સિટી સંલગ્ન એચ.એ કોલેજ,એસ,વી કોલેજ તેમજ ગાંધીનગર સહિતના ગ્રામ્યના અન્ય ત્રણથી ચાર સેન્ટરોમા પરીક્ષા હતી અને રેગ્યુલર તેમજ એક્સટર્નલના મળીને એક હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા હતી.
વિદ્યાર્થીઓની ફરિયાદોને પગલે એનએસયુઆઈના કાર્યકરો સેન્ટરો પર પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે યુનિ.દ્વારા તાબડતોબ આજે ખરેખર જે મૂળભૂત મનોવૈજ્ઞાાનિક પ્રક્રિયા વિષયની પરીક્ષા હતી તેનુ પેપર સેન્ટરો પર મેઈલ કરવામા આવ્યુ હતુ.અને પ્રિન્ટ કાઢીને ઝેરોક્ષ કરી વિદ્યાર્થીઓને પેપરો અપાયા હતા.જેના લીધે સાડા ત્રણ વાગે જે પરીક્ષા શરૃ થવાની હતી તે પરીક્ષા ૪ઃ૩૦ વાગ્યાની આસપાસ શરૃ થઈ હતી અને અઢી કલાકની પરીક્ષા ૬ વાગ્યાને બદલે ૭ વાગે પુરી થઈ હતી. 
રાત પડી જતા ગ્રામ્ય વિસ્તારોમાંથી બસોમાં આવેલા વિદ્યાર્થીઓ ભારે હેરાન થયા હતા.એનએસયુઆઈના કાર્યકરોએ તો આજની પરીક્ષા રદ કરી ફરી લેવાની ઉગ્ર માંગણી સાથે રજિસ્ટ્રાર ઓફિસમાં હંગામો મચાવ્યો હતો.વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆત અને હોબાળાને પગલે રજિસ્ટ્રાર પણ કંટાળીને કેબિન છોડી ચાલ્યા ગયા હતા.જો કે રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકે આ સમગ્ર છબરડામાં પરીક્ષા વિભાગની ક્યાંય પણ ભૂલ ન હોવાનું જણાવ્યુ હતું.
પરીક્ષા વિભાગના જણાવ્યા મુજબ જે પ્રોફેસરે પેપર તૈયાર કર્યુ હતુ તેઓએ આજના વિષયના મેનુસ્ક્રિપ્ટને બદલે આવતીકાલના વિષયની મેનુસ્ક્રિપ્ટ બંધ કવરમાં અને કવર પર આજના વિષયનો જ કોડ લખીને પરીક્ષા વિભાગને મોકલી હતી જેથી તે જ સ્ક્રિપ્ટ પ્રમાણે પ્રેસમાં પેપર છપાયુ હતુ.રજિસ્ટ્રારે પ્રોફેસર અને વિષયના ચેરમેનને નોટીસ આપી રૃબરૃ ખુલાસો માંગવાની વિદ્યાર્થીઓને ખાત્રી આપી હતી.મહત્વનું છે કે યુનિ.ની આ વખતની સેમસ્ટર પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો બદલાઈ જવાની આ ત્રીજી ઘટના છે અને ગઈકાલે પણ ૧૦૦ જેટલા એક્સટર્નલના વિદ્યાર્થીઓને જુના કોર્સ પ્રમાણે પેપર ન અપાતા તેમની ૮મીએ ફરીથી પરીક્ષા લેવાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર