ઉનાના દલિત પરિવારને 6 વર્ષે મળ્યો ન્યાય, યુવકને જીવતો સળગાવનારા 11ને આજીવન કેદ

શુક્રવાર, 30 નવેમ્બર 2018 (12:07 IST)
ગીરગઢડા તાલુકાના આંકોલાળી ગામે વર્ષ 2012માં ચકચારી દલીત યુવાનને જીવતો સળગાવી મારી નાખવાની બનેલી ગંભીર ઘટનાનો ચુકાદો 6 વર્ષ બાદ સ્પેશ્યલ કોર્ટે ઐતહાસિક ચુકાદો આપતા આ કેસમાં 11 આરોપીઓને છેલ્લા શ્ર્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસની વિગત એવી છે કે, આંકોલાળી ગામના દલિત કાળાભાઇ જેઠાભાઇ સરવૈયાએ તા. 13/9/2012ના રોજ ગીરગઢડા પોલીસમાં પોતાની ફરીયાદ કરેલ કે સવારે પોતાના ઘરના સભ્યો સાથે હાજર હતા અને તેમનો દીકરો લાલજી ઘરમાં સૂતો હતો તે વખતે આંકોલાળી ગામના ભાણા કાના વાજા, લાલજી વશરામ વાજા, બાબુ દાના મકવાણા, ધીરૂ વીરા વાજા, ભીખા વીરા વાજા, પાંચા લાખા વાજા, પ્રવિણ ધીરૂ વાજા, અરજણ બાબુ મકવાણા તથા હમીર અરજણ વાજા તેમના ઘરની આજુબાજુમાં ભેગા થઇ ગયેલા અને તે પૈકી અમુક લોકો કેરોસીન ભરેલ ડબ્બા અને હથિયારો સાથે ઘર પર હુમલો કરી સાહેદો પર પથ્થોના ઘા મારેલા અને લાકડી વડે ફરીયાદીને માર માર્યા બાદ કેટલાક લોકો કેરોસીનના ડબા સાથે મકાન પર ચડી ગયેલ અને કેટલાક લોકોએ મકાનમાં ગોદડા અને કપડા અંબાવી આપેલ અને આરોપીએ લાલજી જે રૂમમાં સૂતો હતો. તે મકાનના નળિયા ખસેડી આરોપીઓએ કપડાના ગાભામાં કેરોસીન નાખીને આખું મકાન સળગાવતા લાલજી સરવૈયા ઘરમાં સળગી ગયો હતો તેમ જ તેનું મોત થયું હતું. તમામ આરોપીઓ સામે સ્પે. એટ્રોસિટી કોર્ટમાં કેસ ચાલી જતા લાલજી સરવૈયાનું મોત નીપજાવા બદલ એટ્રોસિટી એક્ટનો ભંગ બદલ પોતાના જીવનના છેલ્લા શ્ર્વાસ સુધીની આજીવન કેદની સખત સજા કરતો ચુકાદો આપ્યો હતો. અને વધુમાં દરેક આરોપીને રૂ. 54 હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમ અપીલ સમય પૂર્ણ થયા પછી સ્પે. એટ્રોસીટી એક્ટ કોર્ટના જજ એસ.એલ.ઠક્કરએ આ રકમ ફરીયાદ પક્ષને ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર