રાજ્યમાં ઉદ્યોગોને આપવામાં આવતાં પાણીનો ભાવ વધ્યો, નવો ભાવ એક હજાર લિટર દીઠ 51.48 રૂપિયા થયો

બુધવાર, 7 એપ્રિલ 2021 (09:49 IST)
ગુજરાતમાં ઔદ્યોગિક એકમોને અપાતા પાણીના દરમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) દ્વારા ભાવવધારો થયો છે, એવી જ રીતે સિંચાઈ વિભાગ દ્વારા પણ ભાવવધારો ઝીંકાયો છે. GWIL અને GWSSBનો જૂનો રેટ એક હજાર લિટરદીઠ રૂ. 46.78  હતો, જે હવે વધીને રૂ. 51.45 થયો છે. એવી જ રીતે સિંચાઈ વિભાગ તરફથી ઉદ્યોગોને અપાતા પાણીનો જૂનો દર પ્રતિ હજાર લિટરે રૂ. 31.40 હતો, જે હવે વધીને રૂ. 34.54 થયો છે. GWIL દ્વારા રાજ્યના આશરે 600 ઔદ્યોગિક એકમોને તથા GWSSB દ્વારા આશરે 100 ઔદ્યોગિક એકમોને ઔદ્યોગિક વપરાશ માટે પાણી અપાય છે,

જ્યારે સિંચાઈ વિભાગ તરફથી 200 જેટલા ઉદ્યોગોને પાણી પૂરું પડાય છે.2019-20ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે આ બોર્ડ તથા GWIL દ્વારા ઉદ્યોગોને કુલ 125.08 એમએલડી પાણી પૂરું પડાયું છે, અગાઉના વર્ષે 111.42 એમએલડી પાણી અપાયું હતું. ચોથી એજન્સી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા પણ ઔદ્યોગિક એકમોને પાણી વેચાતું અપાય છે. આ એજન્સી 36 મોટા ઉદ્યોગોને પાણી પૂરું પાડે છે અને એનો રેટ સિંચાઈ વિભાગ જેટલો જ રહેતો હોય છે. સરકારી સૂત્રો કહે છે કે, દર વર્ષે પાણીના દરમાં 10  ટકાનો વધારો કરવાનો નિયમ છે. અને એ મુજબ પહેલી એપ્રિલથી નવો રેટ લાગુ થઈ જાય છે. રાજ્યમાં ઔદ્યોગિક એકમોને સૌથી પાણી સપ્લાય કરતાં તંત્રો ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને પાણી પુરવઠા બોર્ડના પાણીના દર 8 વર્ષ પહેલાં 2015-16માં રૂ. 35.48 હતો, જે રેટ હવે ડબલ થઈ ગયો છે. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયા હતા. નર્મદા નિગમનાં સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણીપુરવઠા વિભાગ અને તેને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે. ખુદ નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર