અમદાવાદમાં ચાલુ કારે યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો

ગુરુવાર, 28 જૂન 2018 (13:35 IST)
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરુનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી બે શખ્સોએ ચાલુ કારમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બળાત્કારનો વી‌ડિયો બનાવી યુવતીને લાકડી વડે માર મારી મોબાઈલ અને પર્સ લઇ છોડી દીધી હતી. ઘટના બાદ વૃષભ નામના યુવકે સોશિયલ મીડિયામાં ફોટા મોકલીને પ૦ હજારની માગ કરી હતી. મણિનગર પાસે પણ યુવતીને કારમાં બેસાડી વી‌ડિયો વાઇરલ કરવાની ધમકી આપી ઇન્જેક્શન આપ્યાં હતાં. ઇસનપુરની કોન્ફી હોટલ પાસે પણ કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ શરીરે અડપલાં કરી વી‌ડિયો બનાવી લીધો હતો. આ અંગે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ ઘોડાસર વિસ્તારમાં પ્રિયા (નામ બદલેલ છે) નામની યુવતી રહે છે. માર્ચ મહિનામાં પ્રિયા નહેરુનગર સર્કલ પાસે સ્કૂટર લઈને ઊભી હતી ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં મંકી કેપમાં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા. પ્રિયાને કેફી પદાર્થ સુંઘાડીને બે શખ્સોએ ચાલુ ગાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો. અન્ય શખ્સોએ તેનો મોબાઈલમાં વી‌િડયો પણ ઉતારી લીધો હતો. પ્રિયાને લાકડીથી માર મારી તેનાં મોબાઈલ-પર્સ પણ લઈ લીધાં હતાં. જો આ બાબતે તે કોઈને કહેશે તો તેના બોયફ્રેન્ડ અને બહેનને મારી નાખવાની ધમકી આપી છોડી દીધી હતી.
વૃષભ નામના યુવકે પ્રિયાના ઇન્સ્ટાગ્રામમાં બીભત્સ ફોટા મોકલીને તેની સાથે હોટલમાં આવવા જણાવ્યું હતું તથા ધમકી આપીને રૂ. પ૦ હજારની માગણી પણ કરી હતી. દરમ્યાનમાં કાંકરિયા જલધારા વોટરપાર્ક પાસે ફૂટપાથ પરથી તે પસાર થતી હતી ત્યારે તેની પાસેથી સોનાની વીંટી અને રૂ. ૩૭૦૦ પણ લઇ લીધા હતા. થોડા દિવસ બાદ મણિનગરના સત્યમ્ ટાવરની ગલીમાં બે અજાણ્યા યુવક અને યુવતી મોં પર રૂમાલ બાંધી આવ્યાં હતાં. પ્રિયાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને નહેરુનગર પાસે લીધેલાં મોબાઈલ અને પર્સ પરત આપી દીધાં હતાં અને પ્રિયાના ડાબા ખભા પર ઇન્જેક્શન આપી ફરાર થઈ ગયાં હતાં.
બે દિવસ પહેલાં પ્રિયા ઈસનપુરની કોન્ફી હોટલ પાસેથી ચાલતાં જતી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઈસમ કારમાં આવ્યા હતા. સ્પ્રે છાંટીને પ્રિયાને ગાડીમાં ખેંચી તેનાં શરીરે અડપલાં કર્યાં હતાં. આ બધું ગૌરવ કરાવે છે તેમ કહી અજાણ્યા ઈસમો પ્રિયાને જયમાલા રોડ પર ઉતારીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગે યુવતીએ તેનાં માતા-પિતાને વાત કરતાં તેઓ દ્વારા અભયમ્ હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમ તેને લઈને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઇ જતાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધી હતી, જોકે બનાવની શરૂઆત સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હોઈ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરવામાં આવી છે. સેટેલાઈટ પોલીસે વૃષભ, યામિની, ગૌરવ દાલમિયા સહિતના લોકો સામે અપહરણ, બળાત્કાર, આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર