ગુજરાતમાં સિનિયર સિટીઝન અને મહિલાઓ સુરક્ષિત છે એવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે. પરંતુ વિધાનસભાના સત્રમાં સરકાર દ્વારા કહેવાતી શાંતિ અને સલામતિ મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં 6316 ઘટનાઓ અને સામૂહિક દુષ્કર્મની 72 ઘટનાઓ બની છે. આ આંકડાઓ રાજ્યના ગૃહ વિભાગે તાજેતરમાં વિધાનસભામાં રજુ કર્યાં હતાં.
તે ઉપરાંત બળાત્કાર-સામૂહિક બળાત્કાર કેસના 209 આરોપીઓને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. બીજી તરફ છેલ્લા બે વર્ષમાં જ મહિલાઓ પરના સાયબર ક્રાઇમની ઘટના 150 ટકા જેટલી વધી ગઇ છે. આ સમયગાળામાં મહિલાઓ પર સાયબર ક્રાઇમ બદલ એકપણ વ્યક્તિ દોષિત પુરવાર થઇ નથી. અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં 977 અને સુરત શહેરમાં 753 દુષ્કર્મની ઘટના બની છે. સલામત કહેવાતા ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, સાથે સાથે સામૂહિક દુષ્કર્મના કેસો પણ વધી રહ્યા છે. વર્ષ 2015-16માં સામૂહિક દુષ્કર્મના પાંચ કેસ હતા, જે 2019-20માં વધીને 20 થયા છે. ગુજરાતમાં સૌથી વધુ દુષ્કર્મના બનાવો અમદાવાદ શહેરમાં અને બીજા ક્રમે સુરત શહેરમાં બન્યા છે. ઓક્ટોબર 2015થી સપ્ટેમ્બર 2016ના અરસામાં અમદાવાદ શહેરમાં 165 બળાત્કાર અને 1 સામૂહિક બળાત્કારની ઘટના બની હતી, એ પછીના વર્ષોમાં દુષ્કર્મના 188, 202, 226,196 બનાવો બન્યા છે. સુરતમાં 2015-16માં 117, 2016-17માં 136, 2017-18માં 163, 2018-19માં 209 અને 2019-20માં 128 કિસ્સા દુષ્કર્મના બન્યા છે. ભાવનગર અને રાજકોટ શહેરના આંકડા પણ ચિંતાજનક છે. સુરત શહેરમાં સૌથી વધુ ૩૩ આરોપી પકડાયા નથી, અમદાવાદ શહેરમાં 19, વડોદરા શહેરમાં 10, જામનગર 11, બનાસકાંઠામાં 21, ભાવનગર 12 અને સુરત ગ્રામ્યમાં 20 આરોપી પકડવાના બાકી છે. દુષ્કર્મની ઘટનાઓ રોકવા માટે સરકાર પગલાં ભરી રહી છે તેમ છતાં આવા કેસ વધી રહ્યા છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની ૯૪ ઘટના નોંધાઇ હતી. આ પૈકી 59માં ચાર્જશીટ દાખલ થઇ હતી જ્યારે 83 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ એકપણ વ્યક્તિ દોષિત પુરવાર થયા નહોતા. 2018માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની ઘટનામાં લગભગ બે ગણો વધારો થયો હતો અને કુલ 184 કેસ નોંધાયા હતા. આ પૈકી 113 કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી અને 154 વ્યક્તિની ધરપકડ થઇ હતી. પરંતુ 2017 ની માફક 2018માં પણ એકેય દોષિત પુરવાર થયા નહોતા.2019માં સાયબર ક્રાઇમના 226 કેસ સામે 189માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કુલ 269 વ્યક્તિની ધરપકડ થઇ હતી.