અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 12 કોરોના વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમામના સેમ્પલ લઇ પરીક્ષણ માટે લેબમાં મોકલાયા છે. જેમાં રાજકોટ શહેરના 3, ગ્રામ્ય વિસ્તારના 4 અને 5 અન્ય જિલ્લાના કેસો સામે આવ્યા છે. જેમાં 7 પુરૂષ અને 5 મહિલાનો સમાવેશ થાય છે. ત્રણ બાળકોમાં પણ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જેથી રાજકોટ પોલીસ હરકતમાં આવી ગઈ છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે જાતે બહાર નીકળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે રાજકોટવાસીઓના ભલામાં એક નિર્ણય લીધો હતો. જેમાં હવેથી રાજકોટમાં એક જ બાઇકમાં 2 વ્યક્તિ નીકળશે તો તેની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી થશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. મનોજ અગ્રવાલ દ્વારા સ્ટાફને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. સાથે જ શેરી-ગલીઓમાં બેસનાર લોકો વિરૂદ્ધ પણ પોલીસ સખ્ત કાર્યવાહી કરશે.