રાજકોટમાં લક્ષ્મીનગરનું નાળુ દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીથી ભરાય જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે આ નાળાને તોડી 42 કરોડથી વધુના ખર્ચે નવો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આજે આ અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અંડરબ્રિજમાંથી રોજના 3 લાખ લોકો અને 50 હજાર વાહનો પસાર થાય છે. અંડરબ્રિજ ખુલ્લો મૂકાતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. આ અંડરબ્રિજનું નામ CDS બિપીન રાવત રાખવામાં આવ્યું છે. જોકે આજે લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજનું નામ ન હોવાથી ફરીથી રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. દર વર્ષે ચોમાસામાં લક્ષ્મીનગરનું નાળુ ચાર મહિના બંધ રહેતું હતું. કારણ કે, થોડા વરસાદમાં આખેઆખું નાળું વરસાદી પાણીથી ભરાય જતું હતું અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે, હવે અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે મશીનો પણ મૂકવામાં આવ્યા છે. આથી ભારે વરસાદમાં પણ તુરંત પાણીનો નિકાલ થઈ શકશે. ચોમાસામાં પણ હવે આ અંડરબ્રિજ ખુલ્લો રહેશે.આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનું નામ ન હોવાને લઈને મંત્રી અરવિંદ રૈયાણીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, વિજય રૂપાણી હાજર રહેવાના ન હોવાથી તેમનું નામ લખવામાં આવ્યું નથી. મેયર ચેમ્બરમાંથી આ પત્રિકામાં કોનું નામ લખવું તેનો નિર્ણય લેવામાં આવતો હોય છે. બાકી વિજયભાઈ પક્ષ માટે આદરણીય જ છે.પત્રિકામાં રૂપાણીનું નામ ન હોવાને લઈને કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ અંડરબ્રિજનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આખા કામની અંદર તેઓની ગેરહાજરી જ દર્શાવે છે કે, તેઓને
મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા તે મુજબ જ આજે તેમને દરેક સ્થળેથી દૂર રાખવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ભાજપની આ આંતરિક લડાઈ છે, રૂપાણીનું અસ્તિત્વ જ ખતમ કરવા ભાઈ અને ભાઉ વચ્ચે લડાઈ ચાલી રહી છે.લક્ષ્મીનગર બ્રિજ ખૂબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડિપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની બંને બાજુ 7.50 મીટર પહોળાઈ તથા 4.50 મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સરળતા રહેશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે શહેરના આશરે 3 લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.